રાજકોટ અગ્નિકાંડ/ SITના સભ્યો સાથે ગૃહરાજ્યમંત્રીની મળી બેઠક, સખ્તાઇથી કાર્યવાહી કરવાના આદેશ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી હતી.ગૃહ રાજ્યમંત્

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી હતી.ગૃહ રાજ્યમંત્રીએ આ દરમિયાન સખ્તાઇથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સીટના વડા સુભાષ ત્રિવેદીએ ફરી આવી ઘટના ના બને તેવી કાર્યવાહી કરવાની વાત કરી હતી. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે.
ઘટનામાં સામેલ અધિકારીઓની પૂછપરછ કરાશે
રાજકોટ અગ્નિકાંડ મામલે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગેમિંગ ઝોનમાં તત્કાલીન IPS-IAS અધિકારીઓની તસવીરો પણ વાયરલ થઇ હતી. આ મામલે સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, બધા જ IAS-IPS અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે. એક-બે દિવસમાં તમામ અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.
આ અધિકારીઓની તપાસ થશે
તત્કાલીન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, ડીસીપી ઝોન-1 પ્રવીણ મીના, એસપી બલરામ મીણા અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ટીઆરપી ગેમ ઝોનના ગો-કાર્ટ રેસિંગ ટ્રેક પાસે રેસિંગ માટે સજ્જ થઇને ઊભા હોય તથા સંચાલકોએ આપેલા બૂકે હાથમાં પકડેલા હોય એવી તસવીરો સામે આવી હતી.
પુરાવાનો નાશ નથી કરાયો
TRP ગેમિંગ ઝોનના ક્રાઇમ સીન ઉપર બૂલડોઝર, રોલર ફેરવી જમીન સમથળ કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ લાગ્યો હતો.જોકે, આ મામલે સીટના વડાએ જવાબ આપતા કહ્યું કે, 3 હજાર ડિગ્રી સેલ્સીયસના તાપમાનમાં જે માણસ ગુમ છે, લાશો છે કે અવશેષો છે તેને શોધવાનું કામ મહત્ત્વનું છે કે નથી. ગેમિંગ ઝોન તોડીને પુરાવાનો નાશ કરવાનો આશય નહતો. આપણને અંદર કોઇ છે કે કેમ, જે ગુમ થયેલા છે તેમના અવશેષો છે કે કેમ તેના DNA લઇ શકીએ અને DNA દ્વારા FSL દ્વારા તપાસ કરી ઘરના માણસો ગુમ હોય તેમને આપણે અહેસાસ આપી શકીએ, સત્યની માહિતી આપી શકીએ તે આશયથી તોડવામાં આવ્યું હતું.
પેટ્રોલ-ડીઝલનો જથ્થો કેવી રીતે આવ્યો તેની તપાસ થશે
ગેમિંગ ઝોનમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખો ઉડતા પેટ્રોલ-ડીઝલના જથ્થાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે સીટના વડાએ ક્યું કે, પેટ્રોલ-ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ હેઠળ મંજૂરી લીધી ના હોય અને 30 લીટરથી વધુનો જથ્થો હોય તો મંજૂરી લેવાની હોય છે. FSL દ્વારા રિપોર્ટ તૈયાર કરાઇ રહ્યો છે અને તે પુરવાર થયા બાદ પેટ્રોલિયમ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે.








