મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરાનો યુવક દોહામાં ફસાયો, ત્રણ મહિનાથી કતાર સિક્યોરિટીએ 4*4ની કોટડીમાં ગોંધી રાખ્યો; માતાપિતાનો કલ્પાંત

દેશભરના યુવકોમાં વિદેશ જવાની ઘેલછા વધી રહી છે. ત્યારે વડોદરાનો એક યુવક પણ આ પ્રકારે જ વિદેશ

વડોદરાનો યુવક દોહામાં ફસાયો, ત્રણ મહિનાથી કતાર સિક્યોરિટીએ 4*4ની કોટડીમાં ગોંધી રાખ્યો; માતાપિતાનો કલ્પાંત

દેશભરના યુવકોમાં વિદેશ જવાની ઘેલછા વધી રહી છે. ત્યારે વડોદરાનો એક યુવક પણ આ પ્રકારે જ વિદેશ ગયો હતો અને હવે ત્યાં ફસાઈ ગયો છે, તેવો પરિવારનો દાવો છે. પરિવારનો આક્ષેપ છે કે, કતાર સ્ટેટ સિક્યોરિટી દ્વારા આશરે 80 દિવસથી તેને ગોંધી રાખવામાં આવ્યો છે.

પરિવારે લગાવ્યો આરોપ

મળતી માહિતી મુજબ, વડોદરાનો અમિત ગુપ્તા કતારમાં આનંદ મહિન્દ્રાની કંપનીમાં હેડ તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લાં 3 મહિનાથી તેનો સંપર્ક થઈ શકતો નથી. પરિવારજનોનો આરોપ છે કે, કતાર સ્ટેટ સિક્યોરિટી દ્વારા તેને 80 દિવસથી ગોંધી રાખવામાં આવ્યો છે. પરિવારે લગભગ 3 મહિનાથી યુવક સાથે વાત નથી કરી. આ વિશે પરિવારે કતાર એમ્બેસીમાં પણ જાણ કરી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું.

અમિતના માતાનો કલ્પાત

અમિતની માતાએ જણાવ્યું કે, મારા દીકરાની 10 જાન્યુઆરીની રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તે હોટેલમાં જમવા ગયો હતો. ઘરે પરત ફરી રહ્યો હતો ત્યાં જ સિવિલ ડ્રેસમાં અધિકારીઓ આવ્યા અને તેને ગાડીમાંથી નીચે ઉતારી તેની ધરપકડ કરી અને ગાડી પણ જપ્ત કરી લીધી. તેનો મોબાઈલ, પૈસા પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર એની સાથે અમારી વાતચીત કરાવવામાં આવી છે. જેમાં તે એક જ રટણ કરતો હતો કે, પપ્પા મેં કંઈ નથી કર્યું, મને બચાવી લો. 4*4ની કોટડીમાં એને આટલા દિવસથી રાખવામાં આવ્યો છે. આટલા દિવસથી અમને ઊંઘ પણ નથી આવતી. સરકાર પાસે અમે ન્યાયની માંગ કરી રહ્યા છીએ. ભારતીય રાજદૂતને બે વાર મળ્યા પણ એ લોકો ફક્ત પ્રયાસ કરી રહ્યા છીએ એટલું જ કહી રહ્યા છીએ.

પિતાએ માંગી મદદ

યુવકના પિતાએ આ વિશે જણાવ્યું કે, અમારા બાળકને કાઢો. કંપનીના માલિકને કહેવા માંગીએ છીએ કે, મારો દીકરો ખૂબ જ મહેનતું છે અને કંપની માટે સારૂ કામ કરે છે. તો એને જલ્દી છોડાવવામાં આવે. ત્યાં કંપનીએ બે વકીલ કરીને રાખ્યા છે. પરંતુ, એમના દ્વારા પણ કંઈ નથી થઈ રહ્યું. અમે થાકી ગયા છીએ.

બે દીકરાનો પિતા છે અમિત

નોંધનીય છે કે, અમિતને પત્ની અને બે દીકરા છે. તે પહેલાં મહિન્દ્રા કંપનીમાં કામ કરતો હતો. જોકે, અત્યારે કંપનીના સંચાલકો દ્વારા પણ આ વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

આ સમાચાર શેર કરો