VIDEO: Ahmedabad / ખોખરામાં પાણીની પાઈપલાઈનમાં લીકેજ મુદ્દે કોર્પોરેશન સામે જનઆક્રોશ, રહીશો પ્રદૂષિત પાણી પીવા મજબૂર
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની પાઈપલાઈનમાં લીકેજની સમસ્યાને લ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની પાઈપલાઈનમાં લીકેજની સમસ્યાને લીધે સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને કામગીરીમાં થઈ રહેલા વિલંબને કારણે રોષે ભરાયેલા લોકોએ આજે રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ખોખરા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈન લીકેજ હોવાથી છેલ્લા 15 દિવસથી કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તંત્ર હજુ સુધી આ લીકેજને શોધી કે બંધ કરી શક્યું નથી.
લીકેજની આ સમસ્યાને કારણે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળી રહ્યું હોવાની બૂમો ઉઠી છે. ખોખરાના રહીશો છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. આજે સવારે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા હતા.
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ખોખરામાં સર્જાયેલી આ સ્થિતિએ કોર્પોરેશનની કાર્યક્ષમતા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. એક નાનકડું લીકેજ શોધવામાં જો તંત્રને 10 દિવસ લાગતા હોય, તો સામાન્ય જનતાએ કોના ભરોસે રહેવું? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.






