સુરત જિલ્લામાં પીએમ જન-મન અભિયાન, આદિમ જૂથના લાભાર્થીઓને 23 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે કાર્યક્રમો
દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે "PM JANMAN -PVTG ડેવલપ

દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે "PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન" હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૩થી ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે, ત્યારે 'પીએમ જન મન' અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે.
કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ
PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન) હેઠળ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા તા.૨૩ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી PM-JANMAN ફેઝ-૨ ના પ્રચાર-પ્રસાર અને લોક જાગૃતિ તેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝૂંબેશરૂપ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું.
૮૯ ગામોનો સમાવેશ
કલેક્ટરએ વધુમાં કહ્યું કે, સુરત જિલ્લાના આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના ૩૬ ગામો, માંડવીના ૨૩ ગામો, મહુવાના ૨૫ ગામો, બારડોલીના ૪ ગામો અને માંગરોળ તાલુકાના ૧ ગામ મળી કુલ ૮૯ ગામોનો સમાવેશ થાય છે. આ તમામ તાલુકામાં PVTG (આદિમજુથ સમુદાય)ના કુલ ૨૪૩૨ કુટુંબોની ૯૮૫૪ વસ્તીને જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પી.એમ.માતૃવંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય તેમને સંબંધિત કચેરીઓ લાભાન્વિત કરશે.
સો ટકા સંતૃપ્તિ હાંસલ કરવા પ્રયાસ
કલેકટરએ ઉમેર્યું કે, 'પીએમ જન મન' કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં મહુવા, ઉમરપાડા, માંડવી, બારડોલી તાલુકામાં વસતા કોટવાળીયા, કાથોડી, કાથુડીયા અને કોલધા જેવા આદિમજૂથોનો સમાવેશ થાય છે. ખાસ કરીને નબળા આદિવાસી જૂથ- પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે આદિમજુથની વસ્તી ધરાવતા ગામોમાં જનજાગૃતિ-આઈઈસી પ્રવૃતિઓ હાથ ધરી આદિમજૂથોને જાગૃત કરીને યોજનાના લાભ હેઠળ આવરીને સો ટકા સંતૃપ્તિ હાંસલ કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે.








