મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / પિરાણા ડમ્પ સાઈટ પરના 200 લાખ ટન કચરામાંથી 126 લાખ ટન દૂર કરાયો, 63 ટકા કચરો સાફ

અમદાવાદના સુએઝ ફાર્મ રોડ ખાતે પિરાણા ખાતે શહેરની કચરાની મુખ્ય ડમ્પ સાઈટ આવેલી છે. આ ડમ્પસાઈટ ઉપર દાયકાઓથી ભેગો કરવ

અમદાવાદ / પિરાણા ડમ્પ સાઈટ પરના 200 લાખ ટન કચરામાંથી 126 લાખ ટન દૂર કરાયો, 63 ટકા કચરો સાફ

અમદાવાદના સુએઝ ફાર્મ રોડ ખાતે પિરાણા ખાતે શહેરની કચરાની મુખ્ય ડમ્પ સાઈટ આવેલી છે. આ ડમ્પસાઈટ ઉપર દાયકાઓથી ભેગો કરવામાં આવેલો 63 ટકા કચરો સાફ કરવામાં આવ્યો હોવાનો મ્યુનિસિપલ તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.પિરાણા ડમ્પ સાઈટ ઉપર એક અંદાજ મુજબ 200 લાખ ટન કચરો હતો. આ પૈકી 126 લાખ ટન કચરો દૂર કરાયો છે. શહેરમાંથી રોજ ત્રણ હજાર ટન કચરો એકત્ર કરાય છે. 1200 ટન કચરો પ્રોસેસ કરાય છે.બાકીનો 1800 ટન કચરો સાઈટ ઉપર પ્રોસેસ થયા વગર એમનો એમ પડયો રહે છે.

1985થી  અમદાવાદનો કચરો પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ ખાતે એકઠો કરીને તેનો નિકાલ કરવામાં આવે છે.પિરાણા ડમ્પ સાઈટના કારણે આસપાસના વિસ્તારમાં હવાનુ પ્રદૂષણ વધવા ઉપરાંત ભૂગર્ભ જળ સ્તોત્ર ઉપર તેની થતી અસર સહિતના અન્ય મુદ્દાઓને લઈ  નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ  રજૂઆત કરવામાં આવતા ટ્રીબ્યુનલ દ્વારા ઓગસ્ટ-2020માં નારોલ-સરખેજ હાઈવે તરફ  અજમેરી ફાર્મ પાસે તેમજ એકસેલ પ્રોસેસિંગ પ્લાન્ટની પાછળ હાઈડમ્પ આ બે લોકેશન ઉપર વર્ષોથી ભેગા કરવામાં આવેલા કચરાના બે મોટા ડુંગર  બે વર્ષમાં સાફ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો હતો.

ઉપરાંત રાજય સરકારને પિરાણા ડમ્પ સાઈટ ઉપર ભેગા થયેલા કચરાના નિકાલની કામગીરી ઝડપથી પુરી થાય એ માટે રુપિયા 75 કરોડ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો.

એન.જી.ટી.ના આદેશબાદ પણ દાયકાઓથી ભેગા થયેલા કચરાના નિકાલની કામગીરી ગોકળ ગતિથી મ્યુનિ.તંત્ર તરફથી ચલાવાઈ રહી હતી. એન.જી.ટી.તરફથી આપવામાં આવેલી સમય મર્યાદામાં કચરાનો નિકાલ કરી નહિં શકાય એમ લાગતા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દિલ્હી પહોંચ્યા હતા. જયાં તેમણે એન.જી.ટી. સમક્ષ કચરાના નિકાલ માટેની સમય મર્યાદામાં વધારો કરી આપવાની રજૂઆત કરતા એન.જી.ટી. તરફથી અમદાવાદ મ્યુનિ.તંત્રને 31 ડીસેમ્બર-2023 સુધીમાં વર્ષોથી ભેગા થયેલા કચરાનો નિકાલ કરવા સમય મર્યાદા વધારી આપવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  દાયકાઓથી પિરાણા ડમ્પ સાઈટ ઉપર ભેગા થયેલા કચરાનો નિકાલ કરવા  વર્ષ-2019થી બાયો માઈનીંગ માટે પાયલોટ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો હતો.નારોલ-સરખેજ હાઈવે તરફ અજમેરી ફાર્મ પાસે તેમજ એકસેલ પ્રોસેસિંગ પ્લાન્ટની પાછળ  હાઈડમ્પ આ બે લોકેશન ઉપર કચરાના મોટા ઢગલા હતા.

મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવેલા દાવા મુજબ આ બંને લોકેશન ઉપરથી 126 લાખ ટન કચરો સાફ કરવામાં  આવ્યો છે.હાલમાં 300 મેટ્રીકટન ક્ષમતાના 60 ટ્રોમેલ મશીન 3.11 લાખ તથા એક હજાર મેટ્રીક ટન ક્ષમતાના દસ ઓટોમેટેડ મશીન રુપિયા 11.80 લાખ પ્રતિ માસના ભાવથી ડમ્પ સાઈટ ઉપર કાર્યરત છે

આ સમાચાર શેર કરો