આકાશમાં મોતને માત આપનાર કેપ્ટન સ્મિત મચ્છરની જાતિ જાણવા લોકોમાં ઉત્સુકતા, ભારતીયોએ ગૂગલ ગજવ્યું

જ્યારે આકાશમાં 14,000 ફૂટની ઊંચાઈ પર મોત સામે લડીને કોઈ હીરો સેંકડો લોકોના જીવ બચાવે, ત્યારે સ્વાભાવિક છે કે આખી દુનિયા તેની નોંધ લે. ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર સાથે પણ એવું જ થયું. હાલમાં દુનિયાભરમાં તેમની બહાદુરીની ચર્ચા થઈ રહી છે, પરંતુ સાથોસાથ એક બીજી રસપ્રદ બાબત પણ આકાર લઈ રહી છે. લોકો ગૂગલ પર માત્ર તેમની હિંમત વિશે જ નથી વાંચી રહ્યા, પરંતુ તેઓ આ હીરોની 'જાતિ' પણ શોધી રહ્યા છે!
કેપ્ટનની બહાદુરીએ મોટી દુર્ઘટના ટાળી
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ FZ1073માં એક હચમચાવી મૂકનારી ઘટના બની. ફ્લાઇટના ઓમાની સહ-પાયલટે વિમાનને ક્રેશ કરવાના ઇરાદે કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. વિમાન અચાનક 14,000 ફૂટ નીચે ખાબક્યું. ભારે શારીરિક પીડા અને ઈજાઓ હોવા છતાં, કેપ્ટન સ્મિતે અદભુત હિંમત દાખવીને લડત આપી અને કોકપીટનો દરવાજો ખોલી દીધો, જેથી બીજા લોકોની મદદ મેળવી શકાય. હુમલાખોરને કાબુમાં લઈ લેવાયો અને સાઉદી અરેબિયામાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું. કેપ્ટન સ્મિતની સમયસૂચકતાને કારણે 174 મુસાફરો (કુલ 180 લોકો)ના જીવ બચી ગયા.
દુનિયાભરમાં ગૂગલ પર કેપ્ટન સ્મિતનું નામ સર્ચ થયું
જેમ જેમ આ સમાચાર બહાર આવતા ગયા, તેમ તેમ 30 સપ્ટેમ્બરથી ગૂગલ પર કેપ્ટન સ્મિત વિશે સર્ચ વધવા લાગ્યું. 2 ઓક્ટોબરના રોજ સવારે 9:30 વાગ્યે આ સર્ચ તેના ટોચના સ્કોર (100) પર પહોંચી ગયું. ગૂગલ ટ્રેન્ડ્સમાં 0થી 100નો સ્કોર ચોક્કસ સંખ્યા નથી બતાવતો, પરંતુ તે વિષયની લોકપ્રિયતા અને લોકોના રસનું પ્રમાણ દર્શાવે છે.
ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા-પેસિફિકમાં લોકો તો તેમના વિશે માહિતી શોધી રહ્યા જ હતા, પરંતુ આ બાબતે સૌથી વધુ રસ ભારત અને મધ્ય-પૂર્વ(ગલ્ફ)ના દેશોમાં જોવા મળ્યો.
સ્મિત મચ્છર અંગે સૌથી વધુ રસ ધરાવતા ટોપ 10 દેશો કયા?
|
દેશ
|
સર્ચમાં રસ (Interest Score)
|
|
ભારત
|
100
|
|
સંયુક્ત આરબ અમીરાત (UAE)
|
84
|
|
કતાર
|
37
|
|
કુવૈત
|
28
|
|
ઓમાન
|
27
|
|
નેપાળ
|
20
|
|
ઇઝરાયેલ
|
17
|
|
કેનેડા
|
16
|
|
સિંગાપોર
|
16
|
|
ન્યૂઝીલેન્ડ
|
14
|
ફ્લાઇટ દુબઈની હતી, કો-પાયલોટ ઓમાની હતો અને સાઉદી અરેબિયામાં લેન્ડિંગ થયું એટલે ગલ્ફ દેશોનો સ્કોર ઊંચો રહ્યો. જ્યારે ગંતવ્ય સ્થાન તેલ અવીવ હોવાથી ઈઝરાયલ પણ આ યાદીમાં આગળ રહ્યું.
ભારતમાં સર્ચનો ટ્રેન્ડ અને પ્રાઇમ-ટાઇમની અસર
ભારતમાં આ સમાચાર આગની જેમ ફેલાયા. 30 સપ્ટેમ્બરથી શરૂ થયેલું સર્ચ 1 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 વાગ્યે ટોચ પર પહોંચ્યું હતું. આ એ સમય હતો જ્યારે સાંજના ન્યૂઝ બુલેટિન અને સોશિયલ મીડિયા પર આ સમાચાર વાઇરલ થઈ રહ્યા હતા. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં લોકોએ આ ઘટના વિશે સૌથી વધુ સર્ચ કર્યું. લોકોને કેપ્ટનના સ્વાસ્થ્યની ખૂબ ચિંતા હતી. ગંભીર ઈજાઓને કારણે લોકો સતત ગૂગલ પર પૂછી રહ્યા હતા કે, 'શું સ્મિત મચ્છર જીવિત છે?'
ભારતીયોએ આદત મુજબ હીરોની 'જાતિ' શોધી!
ગૂગલ ટ્રેન્ડ્સના ડેટામાં એક ખૂબ જ રસપ્રદ અને પરિચિત ભારતીય માનસિકતા પણ છતી થઈ. જ્યારે પણ કોઈ ભારતીય વૈશ્વિક સ્તરે કંઈક મોટું કરે છે, ત્યારે લોકો તેની પૃષ્ઠભૂમિ અને સમુદાય વિશે જાણવા ઉત્સુક થઈ જાય છે. કેપ્ટન સ્મિતના કિસ્સામાં પણ બે શબ્દો સૌથી વધુ સર્ચ થયા.
machchhar caste (મચ્છર જાતિ)
smit machchhar caste (સ્મિત મચ્છર જાતિ)
જ્યારે આખા ભારતમાં આ ઘટના વિશે સર્ચ થઈ રહ્યું હતું, ત્યારે 'જાતિ' વિશે સૌથી વધુ સર્ચ ગુજરાતમાં થયું (સ્કોર 100). કારણ કે 'મચ્છર' એક વિશિષ્ટ અટક છે અને કેપ્ટન સ્મિત ગુજરાતના વતની હોવાથી ગુજરાતીઓને તેમના મૂળ વિશે જાણવાની સૌથી વધુ ઉત્સુકતા હતી. આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ આ વિશે ખાસ્સો રસ જોવા મળ્યો.
'સ્મિત મચ્છર જાતિ' અંગે સર્ચ કરનારા ટોપ 10 રાજ્યો કયા?
30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન નીચેના રાજ્યોના લોકોએ 'સ્મિત મચ્છર જાતિ' વિશે સૌથી વધુ સર્ચ કર્યું હતું.
|
રાજ્ય
|
સર્ચમાં રસ (Interest Score)
|
|
ગુજરાત
|
100
|
|
ઉત્તર પ્રદેશ
|
90
|
|
દિલ્હી
|
88
|
|
હરિયાણા
|
76
|
|
કર્ણાટક
|
70
|
|
ઉત્તરાખંડ
|
70
|
|
મહારાષ્ટ્ર
|
63
|
|
રાજસ્થાન
|
54
|
|
બિહાર
|
52
|
|
મધ્ય પ્રદેશ
|
51
|
ગૂગલ ટ્રેન્ડ્સઃ માનવ સ્વભાવનો અરીસો
ગૂગલ ટ્રેન્ડ્સ ખરેખર માનવ સ્વભાવનો જીવંત અરીસો છે. એક તરફ તે દર્શાવે છે કે આટલી મોટી દુર્ઘટના જેમના પ્રયાસોથી ટળી ગઈ એ કેપ્ટનના સ્વાસ્થ્ય વિશે લોકો કેટલી ચિંતા કરતા હતા, તો બીજી તરફ એ બતાવે છે કે, ‘હીરો’ કઈ જાતિનો છે, એ જાણવાની પણ લોકોમાં ભારે ઉત્સુકતા હતી.

