VIDEO: પાટણના શંખેશ્વરમાં કાયદાના ધજાગરા! જાહેર રોડ પર હથિયાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
VIDEO: રાજ્યમાં અવારનવાર જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરીને કાયદાનો ભય ન રાખનારા તત્વો સામે આવતા હોય છે. આવી જ એક ચકચારી ઘટના પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે બની છે. અહીં એક યુવકે જાહેર રોડ પર પોતાની ગાડી ઊભી રાખી, બોનેટ પર હથિયાર (તલવાર) વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.
હથિયાર અને આતશબાજીનો ખેલ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઠાકોર સમાજના આ યુવાને જાહેર રોડ પર ગાડીના બોનેટ પર કેક મૂકી હતી અને કોઈ ધારદાર હથિયાર કે તલવાર વડે તેને કાપી હતી. આટલું જ નહીં, ઉજવણી દરમિયાન મોટા પાયે આતશબાજી પણ કરવામાં આવી હતી. આ પ્રકારની ઉજવણીથી રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સમાજના બંધારણનું ઉલ્લંઘન
નોંધનીય છે કે, તાજેતરમાં જ ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારાના ભાગરૂપે પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં, આ યુવકે ઉજવણીમાં બિન્દાસપણે ડીજેનો ઉપયોગ કર્યો હતો. આમ, યુવકે માત્ર સરકારી કાયદો જ નહીં પરંતુ સમાજના બંધારણને પણ તોડ્યું હોય તેવું સામે આવ્યું છે.
પોલીસ કાર્યવાહીની શક્યતા
જાહેર રોડ પર ભય ફેલાવવા અને હથિયારનું પ્રદર્શન કરવા બદલ પોલીસ હવે હરકતમાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પુરાવાઓના આધારે પોલીસ આ યુવક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

