VIDEO: પાટણના રાજકારણમાં ગરમાવો ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે કાયદાકીય જંગ
પાટણ પાલિકાના ચીફ ઓફિસર અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે કાયદાકીય લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ સમગ્ર મામલાની શરૂઆત ૨૨ જૂનના રોજ મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકથી થઈ હતી, જેમાં નવા એસટી બસપોર્ટની બીયુ પરમિશન મુદ્દે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા કથિત રીતે 'વ્યવહાર' અને ગાંધીનગર સુધી 'હપ્તા' પહોંચતા હોવાના આક્ષેપો મીડિયા સમક્ષ કર્યા હતા. આ નિવેદનથી ચીફ ઓફિસરની છબી ખરડાઈ હોવાનું માનતા તેમણે ધારાસભ્ય સામે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ, ચીફ ઓફિસરે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલનું ફાર્મ ગેરકાયદે હોવાનો આક્ષેપ કર્યો હતો. આના જવાબમાં આજે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે તમામ પુરાવાઓ સાથે પોતાની વાત રજૂ કરી હતી અને ચીફ ઓફિસર સામે વળતી બદનક્ષીનો દાવો ઠોક્યો છે. આ આક્ષેપ-પ્રતિઆક્ષેપના જંગે પાટણના રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે.

