Patan/ HNGUમાં પરિણામ વિલંબનો વિવાદ વકર્યો: એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ચીમકી આપી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)નો પરીક્ષા વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ વખતે વિવાદ MBBSના વિદ્યાર્થીઓના પરીક્ષા પરિણામમાં વિલંબ થવા અંગેનો છે, જેના કારણે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર ગંભીર પગલું ભરવાની (આપઘાત)ની ચીમકી આપી છે.
રિપીટર વિદ્યાર્થીનું પરિણામ વિલંબમાં
પ્રાપ્ત વિગતો મુજબ, MBBSના બીજા વર્ષના રિપીટર વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થવામાં મોડું થયું છે. આ બેચના આશરે 20 પરીક્ષાર્થીઓનું પરિણામ વિલંબિત થતાં તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
આ પરિણામ વિલંબથી હતાશ થઈને આ 20 પરીક્ષાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ મેડિકલ સ્ટુડન્ટ એસોસિયેશનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓનલાઈન ધમકી આપી હતી. વિદ્યાર્થીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો પરિણામ વહેલી તકે જાહેર નહીં થાય તો તે અઘટિત પગલું ભરશે
સેમ-3ની પરીક્ષા પહેલા યુનિવર્સિટી દબાણમાં
આ ગંભીર ચીમકીના કારણે સમગ્ર યુનિવર્સિટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીની આત્મહત્યાની ધમકીને પગલે યુનિવર્સિટી વહીવટીતંત્ર દબાણમાં આવ્યું છે. નોંધનીય છે કે, આગામી મંગળવારથી જ MBBS સેમ-3ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરિણામ વિના રિપીટર વિદ્યાર્થીઓ નવી પરીક્ષામાં બેસી શકશે કે કેમ, તે અંગે મોટો સવાલ ઊભો થયો છે.

