‘16ની સવાર સુધીમાં જો ‘અહંકાર’ નહીં ઓગળે તો’, પરેશ ધાનાણીએ ભાજપ પર કર્યા પ્રહાર
લોકસભા ચૂંટણી 2024 પહેલા સૌથી હોટ સીટ રાજકોટની બેઠકને લઇને રાજકારણ ગરમાયેલું છે. એક તરફ ભાજપના ઉમેદવાર પરશોત્

લોકસભા ચૂંટણી 2024 પહેલા સૌથી હોટ સીટ રાજકોટની બેઠકને લઇને રાજકારણ ગરમાયેલું છે. એક તરફ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ વિવાદ જોવા મળી રહ્યો છે અને તેમની ટિકિટ કાપવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ભાજપ પર પ્રહાર કરી રહ્યાં છે.
પરેશ ધાનાણીએ ફરી સાધ્યુ ભાજપ પર નિશાન
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ભાજપને અહંકારી ગણાવ્યા છે.
“”રાજકોટનુ રણમેદાન””
હે ભાજપના “ભિષ્મ પિતામહ”,
હવે તમારે “અહંકાર” ઓગાળવો છે
કે પછી મને “દિલ્હી” જ દેખાડવુ છે.?
તારીખ “૧૬” ની સવાર સુધીમા
જો “અહંકાર” નહી ઓગળે તો,
બપોરના ચારે, “કુળદેવી”ના દ્રારે,
સૌ શીશ ઝુકાવીને શરુ કરીશુ..,
“સ્વાભિમાન યુદ્ધ”નો શંખનાદ..!
ભાજપને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ
રાજકોટના મોરબી રોડ પર શહેરથી 15 કિ.મી.દૂર રતનપર ખાતે ખુલ્લા મેદાનમાં ચાર કલાક ચાલેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં અભૂતપૂર્વ જનસેલાબ વચ્ચે વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકીટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
તમામ ક્ષત્રિય વક્તાઓએ એવી ઘોષણા કરી હતી કે જો તા.19ના સાંજે ફોર્મ પાછુ ખેંચવાનો સમય પૂરો થયે રૂપાલા ચૂંટણી લડતા હશે તો આ આંદોલન માત્ર તેમના એક વિરુદ્ધ નહીં પણ ભાજપ વિરુધ્ધનું થશે અને આંદોલનની આ આગ વધુ ભભુકીને તેની જવાળાઓ ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા સમગ્ર દેશમાં ફેલાશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. તા.19થી આંદોલન ભાગ-2 શરુ કરાશે. પોલીસના અંદાજ મૂજબ આશરે એકથી સવા લાખની મેદની હતી જ્યારે આયોજકોના મતે 2 લાખથી વધુ ક્ષત્રિયો ઉમટ્યા હતા.








