મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મૃતકોના સાચા આંકડા કેમ જાહેર કરાતા નથી? રાજકોટ અગ્નિકાંડ મામલે પરેશ ધાનાણીએ ઉઠાવ્યા સવાલ

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી. પૂર્વ વિપક્ષના નેતા

મૃતકોના સાચા આંકડા કેમ જાહેર કરાતા નથી? રાજકોટ અગ્નિકાંડ મામલે પરેશ ધાનાણીએ ઉઠાવ્યા સવાલ

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી હતી. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તંત્ર પર મોતના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. પરેશ ધાનાણીએ 40થી 45 લોકોના મૃતદેહ મળ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો. જોકે, ઓફિશિયલ 28 લોકોના જ મોત થયા હોવાનો ખુલાસો થયો છે.

સિવિલ સુપ્રીટેડન્ટ આંકડા કેમ જાહેર કરતા નથી- કોંગ્રેસ

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, "40થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે. બે દિવસમાં ઘટનાસ્થળેથી માનવ અવશેષો મળી આવ્યા છે. તંત્ર મોતના અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવે છે. કેમ સિવિલ સુપ્રીટેડન્ટ આંકડા જાહેર કરતા નથી?

પરેશ ધાનાણીએ કહ્યું કે, 3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યુ છે. ઉંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઇ ગયા હશે. ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ નહીં મળે. શું સરકાર અસ્થિઓના વિસર્જન માટેનો મોકો પણ નહીં આપે?"

પરેશ ધાનાણીએ કહ્યું કે, ગેમઝોનની આસપાસના સીસીટીવી પોલીસે કબ્જે લેવા જોઇએ, બિન વારસી પડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઇએ. 99 રૂપિયાની સ્કીમ હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં ગેમઝોનમાં હતા. ગેમ ઝોનના કર્મચારીઓ કેટલા હાજર હતા તેમની માહિતી પણ જાહેર કરવી જોઇએ. 

કોંગ્રેસના નેતાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, સ્થળ પરથી ધૂળના સેમ્પલો લઇને તપાસ થવી જરૂરી છે. સરકાર આવી ઘટનામાં સત્ય ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરે છે પણ કોંગ્રેસ પક્ષ પડદો નહિ પાડવા દે. 

કોંગ્રેસે મિસિંગ લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, અમે રાજકારણ કરવા માંગતા નથી. જે લોકો લાપતા છે તેમના માટે કોંગ્રેસે હેલ્પલાઇન ફોર મિશીંગ લાઇન નંબર જાહેર કર્યો છે.

આ સમાચાર શેર કરો