VIDEO: પંચમહાલનું શહેરા પાલિકા તંત્ર એક્શનમાં, બાકી વેરા માટે મિલકત ધારકોને ફટકારી નોટિસ
પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી મિલકતોની ૧૦૦% ટકા વેરાની રકમ સામે પાલિકા તંત્ર દ્વારા આશરે ૬૫% જેવી વેરાની રકમની વસૂલાત કરવામાં આવી છે,જ્યારે ૩૫% જેટલો એટલે આશરે રૂપિયા ૭૦ લાખ જેવો મિલકત વેરો બાકી હોવાની સાથે લોકોની વેરો ભરવાની નિષ્ક્રિયતાને કારણે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
બાકી મિલકત વેરાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી
વેરા વસૂલાત ટીમ દ્વારા પાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે,જેમાં અત્યાર સુધીમાં લાંબા સમયથી વેરો બાકી હોય તેવા ૩૦થી વધુ મિલકત ધારકોને નોટીસ આપી બાકી મિલકત વેરો વહેલીતકે ભરપાઈ કરવા જણાવાયું છે.
પાલિકાએ મિલકત ધારકોને નોટિસ ફટકારી
પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી બાકી મિલકત વેરાની વસૂલાતની કામગીરી આગામી ૩૧મી માર્ચ સુધી ચાલશે,ત્યારબાદ જો બાકી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો વેરો ભરપાઈ ન કરનાર મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે,સાથે જ તેઓની મિલકતો સિલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. પાલિકાની વેરા વસુલાતની ઝુંબેશને જોતા લાંબા સમયથી વેરા બાકી છે એવા મિલકત ધારકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે

