Panchmahal News: ગોધરા સિવિલમાં સ્ટાફના અભાવે ફિટનેસ સર્ટી માટે શિક્ષકોને ધરમધક્કા

પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાલીયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે. ફિટનેસ સર્ટી માટે શિક્ષકોને અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે. તંત્રની લાપરવાહીના કારણે શિક્ષકો ફીટનેસ સર્ટી મેળવવા ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. અનેક ધક્કા ખાવા છતાં સમયસર ફિટનેસ સર્ટી ન મળી રહ્યાના પણ આક્ષેપો કરાઈ રહ્યા છે.
જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ માટે લેબની સુવિધા હોવા છતાં સમયસર શિક્ષકોને રિપોર્ટ મળતા ન હોવાનો આરોપ લગાવાયો છે. સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય સી.કે.રાઉલજીએ પણ સિવિલ સત્તાધીશોને જરૂરી સુચનો કર્યા છતાં હોસ્પિટલમાં ફીટનેસ સર્ટી માટે યોગ્ય કામગીરી ન થતી હોવાનો આરોપ લાગ્યો છે. જીએસટીવીએ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબને સવાલ કરતા યોગ્ય કામગીરી કરવાની ખાત્રી આપી છે.

