Panchmahal news: ચાઈનીઝ દોરીથી 4 યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, બે લોકોના ગળા કપાતા તબીબોએ બચાવ્યો જીવ

સોર્સ : GSTV
ગુજરાતમાં ઉતરાયણનો બે દિવસનો પર્વ લોકોએ ધામધૂમથી ઉજવ્યો હતો, તો બીજી તરફ રાજ્યમાં અલગ અલગ્ સ્થળેથી વિવિધ અકસ્માતો પણ સર્જાયા હતા. પંચમહાલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આ ચાઈનીઝ દોરીથી 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
માત્ર બે દિવસમાં ચાઈનીઝ દોરીથી ચાર ગંભીર ઘટનાઓ સામે આવી
મળતા અહેવાલ પ્રમાણે પંચમહાલમાંથી જ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. માત્ર બે દિવસમાં ચાઈનીઝ દોરીથી ચાર ગંભીર ઘટનાઓ સામે આવી છે. અલગ-અલગ બનાવોમાં બે યુવાનોના ગળા કપાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય બે યુવકોના નાક કપાઈ જતાં ભારે ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી.

