ઘાતક માંજો: સુરેન્દ્રનગર જિલ્લામાં ઉતરાયણના દિવસે 140 લોકો પતંગની દોરીથી ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉતરાયણમાં દોરીથી ઈજાગ્રસ્ત થવાની ઘટના, મારામારી- પથ્થર મારા અને હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઓડુમાં ઘાતક દોરીએ યુવકનો જીવ લઈ લીધો છે 35 વર્ષના ઈશ્વર ઠાકોર નામના યુવાનનું મોત નિપજ્યું છે. ગળામાં પતંગની દોરી ભરાતા યુવકનું મોત થયું છે.યુવકના મૃતદેહને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાનનું અચાનક મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
ચુડા તાલુકામાં પતંગ ચગાવવની બાબતે થયું ધિંગાણું
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના રામદેવગઢ ગામે સામાન્ય બાબતે મારામારી અને પથ્થર મારાની ઘટના બની છે, જેમાં પિતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે, તું ધાબે કેમ તેમના પતંગ ચગાવવા જાય છે તેમ કહી અને પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેમાં પિતા પુત્ર ગંભીર રીતે ઘવાયા છે. આ મામલે ત્રણથી વધુ લોકો સામે ચુડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરવામાં આવી છે.
નાવિયાણી ગામ પાસે હિટએન્ડ રનની ઘટના
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે નાવિયાણી ગામ નજીક ટેલર ચાલકે ખેડૂતને અડફેટે લેતા ખેડૂતનું મોત નિપજ્યું છે. સુરેન્દ્રનગરના દશાડા - બેચરાજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ખેડૂતનું મોત થયું છે. ખેડૂત ખેતર પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળ થી ટ્રેલરે હડફેટે લેતા ઘટના સ્થળે જ ખેડૂતનું મોત થયું હતું.
આ પણ વાંચો: મોતનો માંજો! ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી અનેક લોકોના ગળા કપાયા, બાળક-મહિલા સહિત છના મોત
60 લોકો પતંગની દોરીથી થયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગરમાં અંદાજીત 140 લોકોને દોરીથી ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોએ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓએ ઇમરજન્સી સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે . 108 ઇમર્જન્સી સેવાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ કરતા 20% કેસો વધ્યા છે. સુરેન્દ્રનગરમાં જો કે 108 ઇમરજન્સી સેવા દ્વારા 21 જેટલી એમ્બ્યુલન્સ તેના રાખવામાં આવી હતી આ ઉપરાંત દવાનો જથ્થો, ઓક્સિજનની સુવિધા અને સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ધાબેથી પડી જવાના દોરીથી ઇજાગ્રસ્ત થવાના અકસ્માતોના તેમજ અન્ય બનાવો મામલે સૌથી વધુ કોલ 108ને આવ્યા હતા. સ્ટાફને પણ ખડેપગે તૈનાત રાખવામાં આવ્યો હતો.

