Video: રસ્તા પર ડાંગરની ચાદર, ડાંગરના ભાવ વધ્યા પણ ઉત્પાદન ઘટ્યું

ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ખેડૂતો રસ્તા પર ડાંગર પાથરીને તડકામાં સૂકવી રહ્યા છે. હાંસોટના રોહિદથી પંડવાઈ સુધીના આશરે ૮થી ૧૦ કિલોમીટરના માર્ગ પર ડાંગર પથરાયેલું જોવા મળી રહ્યું છે. ડાંગરમાં રહેલો ભેજ દૂર કરીને બજારમાં સારો ભાવ મેળવવા ખેડૂતો આ મહેનત કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગત વર્ષે પ્રતિમણ ૪૫૦ રૂપિયાના ભાવે વેચાતું ડાંગર આ વર્ષે ૫૦૦થી ૫૨૦ રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે, ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે ઉત્પાદન ઘટ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બીજી તરફ, માવઠું ન થતાં લણણી બાદ પાકને નુકસાનથી રાહત મળતાં ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો છે.








