સુરેન્દ્રનગર: 44 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજના ફિટનેસ પર સવાલ, ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ
સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. 44 કરોડના ખર્ચે 5 વર્ષ પહેલા જ ખ

સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. 44 કરોડના ખર્ચે 5 વર્ષ પહેલા જ ખુલ્લા મુકવામાં આવેલા ઓવર બ્રિજની ફિટનેસ સામે સવાલ ઉભા થતા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ઓવરબ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં જ આ ઓવરબ્રિજમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે.
44 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજમાં ઠેર ઠેર ગાબડા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક બનેલો બ્રીજ 10 ફૂટ સુધી બેસી ગયો તેને એક મહિનો નથી થયો ત્યાં ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરનો એકમાત્ર ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. પાંચ વર્ષ પહેલા જ તંત્ર દ્વારા 44 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું પણ પાંચ વર્ષમાં જ 10થી વધુ વખત આ બ્રિજમાં ગાબડા પડ્યા છે.
તંત્ર દ્વારા આ ઓવરબ્રિજ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી થાય અને શહેરીજનો સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડથી ધ્રાંગધ્રા બાયપાસ રોડને જોડતો બહુચર હોટલ નજીક સર્વિસ રોડ છે ત્યાં જઇ શકે તે હેતુસર 2019ના વર્ષમાં 44 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.ઓવરબ્રિજના કામમાં ઠેર ઠેર ગાબડા પડી જતા કોઇ મોટી જાનહાનિ ના થાય તે હેતુસર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઓવરબ્રિજના ફિટનેસ સામે સવાલ ઉભા થતા આ બ્રિજને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.






