મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત; બેકાબૂ કાર ડિવાઈડર કૂદી બીજી તરફ ફંગોળાતા એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર આજે એક ભયાવહ અક

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત; બેકાબૂ કાર ડિવાઈડર કૂદી બીજી તરફ ફંગોળાતા એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત
આ સમાચાર સાંભળો

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર આજે એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ ફંગોળાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

વડોદરાના પરિવારને રસ્તામાં જ કાળ આંબી ગયો

આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ખીનજી પરિવારના સભ્યો રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાલોલ પાસે તેમને રસ્તામાં જ કાળ ભરખી ગયો હતો. મૃતકોમાં 55 વર્ષીય સાજિદ ઈકબાલ ખીનજી, 50 વર્ષીય ઈલિયાસ ઈકબાલ ખીનજી, 48 વર્ષીય ઈશાક ઈકબાલ ખીનજી અને 35 વર્ષીય રેહાન અજગર ખીનજીનો સમાવેશ થાય છે. એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના મોતથી વડોદરામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પણ મૃતકોના સ્વજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી.

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

આ ગમખ્વાર અકસ્માત અંગે પંચમહાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર કૂદી જવાનું કારણ શું હતું અને અકસ્માત સમયે કારની ગતિ કેટલી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે.

મૃતકોની યાદી

અકસ્માતમાં જીવ ગુમાવનાર ચારેય વ્યક્તિઓ ખીનજી પરિવારના હોવાનું સામે આવ્યું છે

ઈલિયાસ ઈકબાલ ખીનજી (ઉંમર 50 વર્ષ)

ઈશાક ઈકબાલ ખીનજી (ઉંમર 48 વર્ષ)

રેહાન અજગર ખીનજી (ઉંમર 35 વર્ષ)

સાજિદ ઈકબાલ ખીનજી (ઉંમર 55 વર્ષ)

આ સમાચાર શેર કરો