મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દર ત્રણમાંથી એક બાળક છે સ્થૂળતાનું શિકાર, MS યુનિવર્સિટીના સર્વેમાં થયો મોટો ખુલાસો

ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા 6થી 16 વર્ષના 30 ટકા જેટલા બાળકો વધારે પડતું વજન ધરાવે છે અથવા

દર ત્રણમાંથી એક બાળક છે સ્થૂળતાનું શિકાર, MS યુનિવર્સિટીના સર્વેમાં થયો મોટો ખુલાસો

ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા 6થી 16 વર્ષના 30 ટકા જેટલા બાળકો વધારે પડતું વજન ધરાવે છે અથવા સ્થૂળ છે. આ અંગેનું ચોંકાવનારુ તારણ MS યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક વિભાગના MScના વિદ્યાર્થીઓના એક સર્વેમાં સામે આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો દર ત્રણમાંથી એક બાળક વધાર પડતું વજન ધરાવે છે અથવા મેદસ્વી છે. આ તારણોએ વાલીઓ સામે પણ લાલ બત્તી ધરી છે.

19 ટકા બાળકો વધારે પડતું વજન ધરાવે છે

સ્ટેટેસ્ટિક વિભાગના MScમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ આકાંક્ષા ટાંક, હર્ષિતા રાઠોર, હર્ષ પ્રજાપતિ અને દિક્ષિતા પટેલે વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.મંગલા શાહના માર્ગદર્શન હેઠળ વડોદરાની સરકારી અને ખાનગી મળીને 15 સ્કૂલોમાં સર્વેના ભાગરૂપે 300 જેટલા બાળકોના ઇન્ટરવ્યુ લીધા હતા. 

સર્વે કરનાર વિદ્યાર્થીઓનું કહેવું છે કે, "વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ગ્રોથ સ્ટાન્ડર્ડ, સોશ્યો-ડેમોગ્રાફિક ફેકટર, ખાનપાનની આદતો, શારીરિક પ્રવૃત્તિ જેવા પરિબળોને ગણતરીમાં લીધા હતા. તેની સાથે અમે BMI ( બોડી માસ ઈન્ડેક્સ), સ્માર્ટ બોડી કમ્પોઝિશન સ્કેલ પર ઉંચાઈ, વજન, કમરનો ઘેરાવો, બોડી ફેટ માસનો ડેટા પણ એકત્રિત કર્યો હતો. જેના આધારે એવું કહી શકાય કે 19 ટકા બાળકો વધારે પડતું વજન ધરાવે છે અને 12 ટકા બાળકો મેદસ્વી છે. જ્યારે 61 ટકાનું વજન ધારાધોરણ પ્રમાણે છે. 8 ટકા બાળકો જરૂર કરતા વધારે પાતળા છે."

MScના વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓની ખાન પાનની તેમજ મોબાઈલ અને કોમ્પ્યુટર સામે બેસી રહેવાની આદતનો સ્થૂળતા સાથે સીધો સબંધ છે તેવું આ સર્વેમાં પૂરવાર થયું છે. અગાઉ પણ વડોદરામાં સ્થૂળતાને લઈને સર્વે થયેલા છે અને આ સર્વેના આંકડા જોતા એવું લાગે છે કે, જો બાળકો પર ધ્યાન આપવામાં નહીં આવે તો વધારે પડતા વજનની સમસ્યા આગામી વર્ષોમાં વકરતી જશે.

આ સર્વેના કેટલાક તારણો આ પ્રમાણે છે

25 ટકા બાળકો દર સપ્તાહે, 31 ટકા દર મહિને, 31 ટકા ક્યારેક ખાંડવાળું સોફટ ડ્રિંક પીએ છે

39 ટકા બાળકો દર અઠવાડિયે એક વખત, 22 ટકા બાળકો દર મહિને એક વખત, 24 ટકા બાળકો ક્યારેક ફાસ્ટફૂટ ખાય છે. રોજ ફાસ્ટફૂડ ખાનારા બાળકોની સંખ્યા 13 ટકા છે.

સ્કૂલ સિવાયના સમયમાં 26 ટકા બાળકો અડધો કલાક કરતા પણ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. 26 ટકા બાળકો 30થી 60 મિનિટ માટે, 36 ટકા બાળકો 1 કલાકથી વધારે અને 12 ટકા બાળકો સહેજ પણ શારીરિક પ્રવૃત્તિ કરતા નથી.

16 ટકા બાળકોએ કહ્યું હતું કે, 'અમે દર સપ્તાહે એક વખત બહાર જમીએ છે.' 1 ટકાએ રોજ, 9 ટકાએ ક્યારેક અને 34 ટકાએ ક્યારેય બહાર જમતા નહીં હોવાનું કહ્યું હતું. 40 ટકાએ દર મહિને એક વખત બહાર જમતા હોવાનું જણાવ્યું હતું.

47 ટકા બાળકો રોજના 1થી 2 કલાક, 28 ટકા બાળકો 2 કલાકથી વધારે અને 25 ટકા 1 કલાકથી ઓછો સમય મોબાઈલ કે કોમ્પ્યુટર પર પસાર કરે છે.

20 ટકા બાળકોને ફિટ નહીં હોવા છતા સંતોષ છે 

ડો.મંગલા શાહ અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, "વિદ્યાર્થીઓને પોતાની ફિટનેસથી સંતોષ છે તેવું પણ અમે પૂછ્યું હતું અને 20 ટકા વિદ્યાર્થીઓએ ધારાધોરણ પ્રમાણે અનફિટ હોવા છતા સંતોષ હોવાનું કહ્યું હતું. જ્યારે 21 ટકાએ અનફિટ હોવાના કારણે સંતોષ નથી તેમ કહ્યું હતું. 44 ટકાએ ફિટ હોવાના કારણે સંતોષ છે તેમ જણાવ્યું હતું અને કેટલાકે ફિટ હોવા છતા સંતોષ નથી તેવું પણ કહ્યું હતું."

ભારતમાં 23 ટકા મહિલાઓ, 22 ટકા પુરૂષો ઓવરવેઈટ 

વૈશ્વિક સ્તરે થયેલા સર્વે પ્રમાણે 2022માં 2.5 અબજ લોકો વધારે પડતું વજન ધરાવતા હતા અને 5થી 19 વર્ષના બાળકો તેમજ કિશોરોમાં મેદસ્તવીતાનું પ્રમાણે 20 ટકા હતું. 1990માં આ પ્રમાણ આઠ ટકાનું હતું. આમ સમયની સાથે મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે. ભારતના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે 23 ટકા મહિલાઓએ 22 ટકા પુરુષો ઓવરવેઈટ છે.

આ સમાચાર શેર કરો