ગુજરાતમાં ત્રણ સ્થળો પર અકસ્માતમાં એકનું મોત, ચાર લોકો ઘાયલ થતાં સારવાર હેઠળ
ગુજરાતભરમાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. એવામાં ગુજરાતના ત્રણ જિલ્લા

ગુજરાતભરમાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે. એવામાં ગુજરાતના ત્રણ જિલ્લામાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ત્રણ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં દુધ ભરેલ ટેન્કરે બે પોલીસ જવાનને અડફેટે લીધા
સુરત જિલ્લામાં બારડોલીના સુરતી જકાતનાકા નજીક એક ગંભીર અકસ્માત સર્જયો હતો. જેમાં દૂધ ભરેલ ટેન્કર ચાલકે બેફામ રીતે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. ગફલતભરી રીતે વાહન ચલાવતા ટેન્કર ચાલકે બારડોલી જકાતનાકા નજીક ફરજ બજાવતા બે હોમગાર્ડ જવાનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કિરણ ચૌધરી નામના એક હોમગાર્ડ જવાનનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેદરકારીપૂર્વક ટેન્કર ચલાવતા ટેન્કર ડિવાઈડર સાથે અથડાઈને હોમગાર્ડ જવાનો પર ફરી વળ્યું હતું. જો કે, આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બનાસકાંઠામાં બે કાર સામસામે અથડાઈ
બનાસકાંઠામાંથી ફરી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ડીસા પાલનપુર હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો હતો. ડીસા પાલનપુર હાઈવે પર રસાણા બસ સ્ટોપ પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બે કાર સામ સામે આવી જતાં અકસ્માતની ઘટનામાં બંને કારના ચાલકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સ્થળે ટ્રાફિક જામ સર્જાતાં પોલીસ આવીને ટ્રાફિક ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
અમદાવાદમાં પૂરઝડપે આવતી કારે યુવકને અડફેટે લીધો
અમદાવાદમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સ્વસ્તિક વિવંતા રોડ ઉપર કાર ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો. જેમાં રસ્તા પર ચાલી રહેલા અમરત રબારી નામના યુવકને કારે અચાનક અડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.






