મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેતીની જમીન બિનખેતી કરવા નહીં ભરવું પડે પ્રિમિયમ, રાજ્ય સરકારે જમીન બાબતે લીધા 4 મોટા નિર્ણય

રાજ્ય સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર

ખેતીની જમીન બિનખેતી કરવા નહીં ભરવું પડે પ્રિમિયમ, રાજ્ય સરકારે જમીન બાબતે લીધા 4 મોટા નિર્ણય

રાજ્ય સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. 

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 'રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા  હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે.'

મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે

ઋષિકેશ પટેલે જણાવ્યું કે,'રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે. આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે.' 

સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે

ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા, વેપાર સ્થાપવા માટે જૂની શરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે. રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.

રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. 
સંબંધિત કલેકટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો 10 દિવસમાં પ્રિમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.

અન્ય એક મહત્ત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી 25 વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહીં.  

આ સમાચાર શેર કરો