VIDEO: Navsariની પૂર્ણા નદી પર લોખંડના ગર્ડરને ટેમ્પોએ તોડ્યો, CCTVના આધારે ચાલક ઝડપાયો
નવસારી જિલ્લાના વીરાવળ ઓવરબ્રિજ પર એક ગંભીર ઘટના બની હતી. એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારીને બ્રિજના દક્ષિણ છેડે લગાવવામાં આવેલા લોખંડના ગડરને તોડી પાડ્યા. આ ગડર ભારે વાહન પ્રવેશબંધીના જાહેરનામાના અમલ માટે લગાડવામાં આવ્યા હતા. કદાચ તે જો ટેમ્પાના આગળ હોત તો તેના માથા ઉપર ભારેખમ લોખંડની ગ્રીલ પડતા તે ઇજાગ્રસ્ત થવાની પૂરેપૂરી સંભાવના હતી. જોકે સદનસીબે ટેમ્પો ની આગળ કોઈ વાહન ન હોવાથી ભારેખમ લોખંડનું ગાર્ડન સીધું રોડ પર પટકાયું હતું. ટેમ્પો ચાલક ઘટના બન્યા બાદ આગળ જોઈ રિવર્સ લઈ ફરી શહેર તરફ ભાગી છૂટ્યો હતો. ટેમ્પો ચાલક નવસારી શહેરથી આમરી ગામ પાસે ની ફેક્ટરીમાં જઈ રહ્યો હોવાની માહિતી પોલીસે આપી છે.સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અનિલ મુન્નીલાલ ધોળે (ઉંમર 33 વર્ષ)ની ધરપકડ કરી. તે આમરી ગામ, નવસારી ફૂડ પ્રોડક્ટ કંપનીના ટ્રકમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેનું મૂળ વતન ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના રાઠોરનપુરા ગામ છે. આ ઘટનામાં NHAI ના કર્મચારી નિર્શલ ડુંગરાણીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાના આરોપ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

