Navsari news: જાણીતા ડૉકટર 2 કલાક ડિજિટલ અરેસ્ટ બાદ સાયબર ઠગોની 50 લાખની જાળ કેવી રીતે તોડી? જાણો

Navsari news: સાયબર ઠગબાજોએ નવસારીના જાણીતા ડૉક્ટરને 2 કલાક સુધી મની લોન્ડ્રિંગના ગુનામાં આરોપી હોવાની વાત સાથે હાઉસ એરેસ્ટ કર્યા હતા, પરંતુ ડૉક્ટરે સતર્કતા વાપરી પોતાના મિત્રની સલાહથી નવસારી સાયબર ક્રાઈમ PI ની મદદથી સાયબર ઠગબાજોની ચુંગાલથી છૂટ્યા હતા અને 50 લાખ રૂપિયા ગુમાવતા બચ્યા હતા.
નવસારીના જાણીતા ડૉક્ટર અને 82 વર્ષીય વયોવૃદ્ધ ડૉ. બીપીન ગાંધીને ગત 25 ઓગસ્ટ, 2025 ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાંથી પોલીસ અધિકારી હોવાનું જણાવી ફોન આવ્યો હતો અને ત્યારબાદ તેમને વીડિયો કોલ એટેન્ડ કરવા કહ્યું હતું. બાદમાં વીડિયો કૉલ ઉપર પોતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતા હોવાનું જણાવી અજાણ્યાએ તેમની મની લોન્ડ્રિંગના કેસમાં સંડોવણી હોવાનું જણાવ્યું હતું. જેમાં ડૉ. બીપીનના ખાતામાં લાખો રૂપિયા જમા થયા હોવાનું જણાવી, તેમને ઘરના બારી બારણા બંધ કરી, ઘરની બહાર ન નીકળવા સાથે મોબાઈલ ફોનને ચાર્જિંગમાં રાખવાનું કહ્યું હતું.
ફોન સતત ચાલુ રાખવાનું કહી, ડૉ. બીપીનના બેંક એકાઉન્ટની માહિતી આપવા સાથે કેસથી બચવા તેમની પાસેથી 50 લાખ રૂપિયા ઉસેટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાયબર ઠગીની ઘટના થતી હોવાનું ધ્યાને આવતા જ ડૉ. બીપીને તેમના મિત્ર અને નિવૃત્ત પોલીસ અધિકારી ચંદ્રકાંત ગાંધીને ફોન કરી મદદ માંગી હતી. જેથી ચંદ્રકાંત ગાંધીએ તેમને નવસારી સાયબર ક્રાઈમના PI ઉમંગ મોદીનો સંપર્ક કરવા જણાવતા ડૉ. બીપીન સાયબર ઠગોનો ફોન કટ કરી, સીધા નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને PI ઉમંગ મોદીનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. જોકે ડૉ. ગાંધી ઘરેથી પોલીસ મથક સુધી પહોંચે, એ દરમિયાન સાયબર ઠગોના સતત ફોન આવ્યા હતા. બાદમાં PI ઉમંગ મોદીએ સાયબર ઠગ સાથે વાત કરી હતી અને ડૉ. બીપીન ગાંધીને સાયબર ઠગીથી બચાવી લીધા હતા.
આ સમગ્ર મુદ્દે લોકોમાં જાગૃતિ આવે અને સાયબર ઠગોના ચુંગાલમાં કોઈ ફસાઈ નહીં, એ હેતુથી ડૉ. બીપીન ગાંધીને સમજાતા ડૉ. બીપીને પોતાની આપવીતી મીડિયા સમક્ષ જણાવી લોકોને સાયબર ઠગોથી ગભરાયા વિના સજાગ રહેવાની અપીલ પણ કરી હતી.

