Video: બામણવેલ પાસે હનુમાનજી મંદિર તોડવાની નોટિસ સામે કોંગ્રેસનો વિરોધ આંદોલનની ચીમકી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામ નજીક આવેલા હનુમાનજી મંદિરને લઈને વિવાદ સામે આવ્યો છે. R&B વિભાગના સ્ટેટ હાઈવે દ્વારા મંદિર તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ નોટિસ બાદ સ્થાનિક સ્તરે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર તોડવાની કાર્યવાહી કરતાં પહેલાં વૈકલ્પિક જગ્યા કે અન્ય કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી તેવો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે તેમણે વિરોધ નોંધાવી તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર છેલ્લા પાંચ વર્ષમાં 200થી વધુ મંદિરો તોડી પાડવાનો આક્ષેપ પણ કર્યો છે. સાથે જ બામણવેલ ખાતે હનુમાનજી મંદિર તોડવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે આ વિવાદમાં તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.














