Narmada news: આમંત્રણ ન મળવા બદલ ચૈતર વસાવાએ અધિકારીઓનો ઉધડો લીધો, કહ્યું- આ મારી જનતાનું અપમાન

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના લોકાર્પણમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. પોતાને આમંત્રણ ન મળવા બદલ અધિકારીઓનો ઉધડો લીધો હતો. ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરંતુ કલેક્ટર કે પ્રાંત અધિકારી સહિત કોઈએ મને શા માટે આમંત્રણ આપ્યું નહીં?
આ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન: આપ ધારાસભ્ય
હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી. આ બાબતે ખુલાસો કરવામાં આવે, કારણ કે આ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે. કોઈ પત્રિકામાં મારું નામ છાપે અથવા તો કોઈ તકતીમાં મારું નામ છપાય તો જ હું કાર્યક્રમમાં આવું એવો માણસ નથી. મને મારા એક સરપંચે કહ્યું કે આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, માટે તમારે આવવું પડશે તો એમની વાત સાંભળીને હું આવ્યો હતો.

