ભાવનગરમાં દોઢ વર્ષ પહેલાં થયેલી મહિલાની હત્યાનો કેસ ઉકેલાયો, લૂંટના રોકડ અને દાગીના સાથે આરોપીની ધરપકડ
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દોઢ વર્ષ જૂનો વણશોધાયેલ હત્યાનો ગુનો ઉકેલીને પતિ-પત્નીન

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દોઢ વર્ષ જૂનો વણશોધાયેલ હત્યાનો ગુનો ઉકેલીને પતિ-પત્નીની ધરપકડ કરી છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં દોઢેક વર્ષ પહેલાં એક અજાણી સ્ત્રીની હત્યાનો ગુનો નોંધાયો હતો. હત્યા બાદ મૃતદેહને સીદસર ગામ, રણદેવી આશ્રમથી હીલ પાર્ક જવાના રસ્તા પર આવેલ ગટર લાઈનના મેઈન હોલમાં નાખી સિમેન્ટનું ઢાંકણું બંધ કરી દેવામાં આવ્યું હતું. જે કેસની તપાસ પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબીની ટીમ કરી રહી હતી, તે દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદભાઈ બારૈયા અને તેમની પત્ની કંચનબેનને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપી રણજીતભાઈએ પોલીસ પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, પૈસાની જરૂરિયાત હોવાથી તેણે પોતાની સગી કુઈ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલાને ધતુરાનું બી પીવડાવી બેભાન કરી દઈ તેમને ગટર પાસે લઈ જઈ તેમની પાસે રહેલ રોકડ રકમ અને સોનાના દાગીના લઈ લીધા હતા. બાદમાં તેમણે હલુબેનનું સાડીના છેડાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ સાધન અને લૂંટમાં મેળવેલી રોકડ અને દાગીના કબજે કર્યા છે.




