VIDEO: Morbi / જૂની અદાવતમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ; 1નું મોત, 3 ઈજાગ્રસ્ત
મોરબી જિલ્લાના હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈને થયેલી મારામારીમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આ હિંસક ઝઘડામાં કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ મોટરસાયકલને પણ આગ ચાંપી દીધી હતી.
મળતી માહિતી મુજબ, હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા પરમાર પરિવારના બે જૂથો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી અદાવતને કારણે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો બિચકતા કુહાડી અને લાકડાના ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કાળુભાઈ મોહનભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ઝઘડામાં એક મોટરસાયકલ પણ સળગાવવામાં આવ્યું હતું.
આ મામલે બંને પક્ષો દ્વારા પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકની પત્ની રતનબેન કાળુભાઈ પરમારે નટુ નાનજી પરમાર, આશિષ નટુ, રવિ નટુ, દીપક નટુ, હંસાબેન અને લતાબેન સહિત કુલ 6 લોકો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. નટવરભાઈ નાનજીભાઈ પરમારે સામા પક્ષે જયેશ નાનજી પરમાર, મૃતક કાળુ મોહન પરમાર અને રતનબેન સામે ફરિયાદ દાખલ કરી છે.
બનાવની ગંભીરતાને જોતા હળવદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ઉતારી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

