VIDEO: મોરબીના નવલખી રોડ પર ધર્મ પરિવર્તનના આક્ષેપ સાથે VHP પોલીસ મથકે પહોંચી, પ્રાર્થના સભામાં હોબાળો
VIDEO: મોરબી શહેરમાં રવિવારની રજાના દિવસે ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. નવલખી રોડ પર આવેલા એક હોલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની બાતમી મળતા VHPના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
રજાના દિવસે પ્રાર્થનાના બહાને કવાયત?
મળતી માહિતી મુજબ, મોરબીના નવલખી રોડ પર એક હોલમાં ક્રિશ્ચન ધર્મ સાથે જોડાયેલા અંદાજે 100થી વધારે લોકો એકઠા થયા હતા. રવિવારની રજા હોવાથી આ લોકો પ્રાર્થના માટે આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે અહીં પ્રાર્થનાના ઓઠા હેઠળ નિર્દોષ લોકોને લલચાવીને કે સમજાવીને ધર્મ પરિવર્તન કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી હતી.
VHP પોલીસ મથકે પહોંચી, કડક કાર્યવાહીની માંગ
જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો હોલ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં દ્રશ્યો જોઈને તેઓ રોષે ભરાયા હતા. VHP ના મતે આ સુનિયોજિત રીતે ધર્મ પરિવર્તનનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલે કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી ગયા હતા અને લેખિત રજૂઆત સાથે કડક પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે અને હોલમાં હાજર લોકો તેમજ આયોજકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આવનારા સમયમાં પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ખરેખર ત્યાં શું પ્રવૃત્તિ ચાલી રહી હતી.

