VIDEO: Morbi/ પાડોશીઓના ત્રાસથી વૃદ્ધાનો આપઘાત, પોલીસે મહિલા સહિત 8 આરોપીઓની ધરપકડ કરી
મોરબીના કંડલા બાયપાસ પર આવેલી ડિવાઇન પાર્ક સોસાયટીમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પાડોશીઓના સતત ત્રાસ અને ધાકધમકીથી કંટાળીને એક વૃદ્ધાએ આત્મહત્યા કરી લેતા, પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
કંડલા બાયપાસ પર સત્ય બી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ડિવાઇન પાર્કમાં રહેતા સવિતાબેન પાંચોટિયાએ ગત 5 માર્ચના જીવન ટૂંકાવી દીધું હતું. મૃતક વૃદ્ધાના પુત્ર નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયાએ આ મામલે મોરબી 'એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓ અગાઉના ઝઘડાનો ખાર રાખી સવિતાબેનને વારંવાર ધાકધમકી આપતા હતા. એટલું જ નહીં, પાર્કિંગમાં બેઠેલા સમયે નિલેશ બારૈયાએ કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક વર્ષ પૂર્વે અગાસીમાં તમામ રહેવાસીઓ ભેગા મળી ફરિયાદીના પરિવારને માર માર્યો હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે અને તેના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે એક મહિલા સહિત કુલ આઠ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

