Morbi જિલ્લા ભાજપ પ્રમુખનો વિવાદ વકર્યો, પુત્રવધૂએ 5 ઈસમો સામે નોંધાવી ફરિયાદ
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો આર્થિક વિવાદ વકર્યો છે. ભાજપ પ્રમુખના પુત્રવધૂ હાર્દિકાબેન ધ્રુમિતભાઈ રાજકોટિયાએ મોરબી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા ઈસમો વિરુદ્ધ મારમારી અને ધમકી આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં હાર્દિકાબેને શોભનાબેન રમેશભાઈ જાકાસણીયા, રમેશભાઈ કરસનભાઈ જાકાસણીયા, ચાંદનીબેન હિરેનભાઈ અગોલા સહિત અન્ય બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. અગાઉ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખીને બોલાચાલી કરી, જાપાજપી કરી અને ગાળો આપી હતી. સાથે જ અગાઉ કરેલી અરજી પાછી ખેંચી લેવા માટે દબાણ ઊભું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ આજ મહિલાઓનો એક વિડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ ભાજપ પ્રમુખ પાસે રૂપિયાની ઉઘરાણી કરતી નજરે પડતી હતી. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખને પણ માર મારવામાં આવ્યો હોવાનું મોરબીમાં ચર્ચાઈ રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, શું પોલીસ આ મામલે હકીકતની તપાસ કરશે કે પછી ભાજપના ઇશારે કામગીરી કરશે? ત્યારે બે મહિલાઓ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પાસે પૈસાની માંગણી કરે છે, તેનો વીડિયો સામે આવ્યો છે. જો કે, જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

