મહેસાણામાં મોટો કાંડ : એક મહિના બાદ લગ્ન છે તે પુરુષને જાણ કર્યા વગર નસબંધી કરી નાખી

Mehsana Vasectomy scandal : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટા ઓપરેશન કરીને જરૂર વગર સ્ટેન્ટ મુકવાથી 8 જેટલા દર્દીઓના મોત થયા છે. આ ઘટનાથી હોસ્પિટલ માફિયાઓનું આખું નેટવર્ક બહાર આવ્યું છે. હવે આવો જ એક કાંડ મહેસાણામાં સામે આવ્યો છે, જેમાં એક યુવકની જાણ બહાર તેની નસબંધી કરી નાખવામાં આવી છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના એક મહિના બાદ જ લગ્ન છે.
યુવકની જાણ બહાર કરાઈ નસબંધી, એક મહિના બાદ લગ્ન છે
મહેસાણામાં યુવકની જાણ બહાર જ તેની નસબંધીનું ઓપરેશન કરી દેવાનો યુવકે આરોપ લગાવ્યો છે. નવી શેઢાવી ગામ નજીક વગડામાં રહેતા 31 વર્ષના ગરીબ યુવાનને વાડીમાંથી ચીકુ, જામફળ ઉતારવાના છે એમ કહી મજૂરીએ લઈ જવાયો હતો, જ્યાં નશો થાય તેટલો દારૂ પીવડાવી યુવકનું ઓપરેશન કરી દીધાનો આક્ષેપ છે. યુવકને બીજા દિવસે ખ્યાલ આવ્યો કે નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક મહિના બાદ યુવકના લગ્ન છે.
અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં કરાયું નસબંધીનું ઓપરેશન
મહેસાણા જિલ્લા આસિસ્ટન્ટ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસરે જણાવ્યું કે આ યુવકને સૂરજ PHCના ધનાલી ગામના મેન હેલ્થવર્કર સેહજાદ અજમેરી લઈ ગયા હતા. યુવકને અડાલજ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ સરકારી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉપરી અધિકારીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
ટાર્ગેટ પુરો કરવા નિર્દોષ પુરુષોનો ભોગ?
જિલ્લાના આરોગ્ય વિભાગને દર વર્ષે 175 પુરુષોની નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. ટાર્ગેટ પુરો કરવા માટે પુરુષોને ગેરમાર્ગે દોરીને અથવા આવી રીતે છેતરીને ઓપરેશન કરી દેવામાં આવે છે એ ખુબ ગંભીર બાબત છે. આ મામલે યોગ્ય તપાસ થાય તો આવા અન્ય પુરુષોની વિગતો પણ સામે આવી શકે છે.

