Mehsanaમાં અજાણ્યા યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ; હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ટહુકો પાર્ટી પ્લોટ પાસે આવેલા રંગ અવધૂત સોસાયટીના માર્ગ પર એક અજાણ્યા શખ્સે વીજ ટ્રાન્સફોર્મર પર લટકીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, સ્થાનિક રહીશોની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી હતી.
મળતી માહિતી મુજબ, રંગ અવધૂત સોસાયટી પાસે એક અજાણ્યો યુવક અચાનક વીજ ટ્રાન્સફોર્મર પર ચઢી ગયો હતો અને આત્મહત્યા કરવાના ઈરાદે લટકી ગયો હતો. આ દ્રશ્ય જોઈ સોસાયટીના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. યુવક હાઈ વોલ્ટેજ વીજ કરંટની ઝપેટમાં આવે તે પહેલાં જ સ્થાનિક લોકોએ ભારે સમજદારી અને હિંમત દાખવી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ જોખમ હોવા છતાં સમયસૂચકતા વાપરી લાકડીઓની મદદથી યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો હતો. આ દરમિયાન તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલિક ધોરણે સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

