Mehsanaમાં કોમી એકતાની અનોખી મિસાલ, હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના સંતાનોના લગ્નમાં ₹1.01 લાખનું મામેરું ભર્યું
વર્તમાન સમયમાં જ્યારે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વધતા જોવા મળે છે . ત્યારે મહેસાણાના નાગલપુર ગામે માનવતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડોસણ ગામના સર્તાનજી ઠાકોરે પોતાની મુસ્લિમ બહેન સુલતાનાબીબી ચૌહાણના સંતાનોના લગ્નમાં રૂ. 1.01 લાખનું મામેરું ભરી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને નિભાવ્યો છે. આ અનોખા સંબંધની શરૂઆત 25 વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે સર્તાનજી અને સુલતાનાબીબી સાથે છૂટક મજૂરી કરતા હતા. લોહીનો સંબંધ ન હોવા છતાં, સર્તાનજીએ સુલતાનાબીબીને બહેન માની હતી.
તાજેતરમાં સુલતાનાબીબીના પુત્ર અરમાન અને પુત્રી આફ્રિનના લગ્ન પ્રસંગે સર્તાનજીને જાણ થઈ ત્યારે મામેરું લઈ તત્પરતા બતાવી અને ઢોલ-નગારા સાથે આજે નાગલપુર ગામમાં પહોંચ્યા હતા.લગ્નગીતો પણ ગવાયા હતા અને મામાએ ભાણી અને ભાણિયા માટે 1,01,000 રોકડા તેમજ ભેટ-સોગાદો પાનેતર અને સૂટ સહિત બંગડી અર્પણ કરી મામેરું ભર્યું હતું. બહેન સુલતાનાબીબી અને ભાણિયાએ ભાવુક થઈને જણાવ્યું કે, હિન્દુ-મુસ્લિમ કંઈ હોતું નથી, માત્ર ઇન્સાનિયત હોવી જોઈએ.લગ્ન પ્રસંગે કંકુ-ચાંદલો અને ગોળ સહિત ફૂલડાં અર્પણ કરીને વધાવ્યા હતા અને ઉજવાયેલી આ વિધિએ સમાજમાં પ્રેમ અને ભાઈચારાનો મજબૂત સંદેશ વહેતો કર્યો છે.

