મહેસાણા: 3 ફટાકડાની દુકાનો અને એક ગોડાઉનને તંત્રે કર્યું બંધ, જાણો શું છે કારણ

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી ઘટના બાદ મહેસાણાનું વહીવટી તંત્ર સફાળે જાગ્યું છે. આ ઘટનાને પગલે જિલ્લા અધિક કલેક્ટરે તાત્કાલિક પગલાં લેતા જિલ્લામાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનોની તપાસના આદેશ આપ્યા. 31 માર્ચ, 2025ના રોજ પરવાનગીની મુદત પૂરી થઈ ગયેલી ત્રણ ફટાકડાની દુકાનો અને નુગર સ્થિત એક ગોડાઉનને બંધ કરાવવામાં આવ્યું છે.
ગોડાઉનને નવું લાયસન્સ મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ
આ દુકાનો અને ગોડાઉનને નવું લાયસન્સ મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા અધિક કલેક્ટરે તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓને ફટાકડાની દુકાનો તથા ગોડાઉનોની આકસ્મિક તપાસ કરવા અને લાયસન્સ વિનાના સ્થળો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.
10 જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું
આદેશ મુજબ, બે દિવસમાં તપાસનો રિપોર્ટ સુપરત કરવાનું પણ કહેવાયું છે. મહેસાણા પોલીસ, ફાયર વિભાગ અને મામલતદારની ટીમે શહેર અને તાલુકા વિસ્તારોમાં 10 જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.
ડીસામાં બનેલા અગ્નિકાંડ બાદ આણંદ શહેરમાં ફાયર વિભાગ જાગ્યું
ડીસામાં બનેલા અગ્નિકાંડ બાદ આણંદ શહેરમાં ફાયર વિભાગ જાગ્યું છે. મહાનગરપાલિકાના ફાયર વિભાગે શહેરમાં આવેલા ત્રણ પાર્ટી પ્લોટ અને 1 ક્લાસિસને ફાયર સેફટીના અભાવના કારણે સીલ કરવામાં આવી છે. વિધિ પાર્ટી પ્લોટ,સ્વસ્તિક પાર્ટી પ્લોટ અને પંચવટી પાર્ટી પ્લોટને સીલ કરવામાં આવ્યા છે. આ સાથે જ વિદ્યાનગરના ટ્યુશન ક્લાસને પણ સીલ કરવામાં આવ્યો.

