સુરતમાં મનુ ડાહ્યા ગેંગના સાગરિતો ઝડપાયા, 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો અને 14 જીવતા કારતૂસ કબ્જે
સુરતમાં ગેંગવોર પર ઘણા સમયથી પોલીસે લગામ કસી છે. તેમ છતાં ગેંગના સભ્યો હજુ પણ એક્ટિવ હોવાનું સામે આવ્યું

સુરતમાં ગેંગવોર પર ઘણા સમયથી પોલીસે લગામ કસી છે. તેમ છતાં ગેંગના સભ્યો હજુ પણ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. બે શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને આરોપી પાસેથી 3 લોડેડ પિસ્તોલ, 1 દેશી તમંચો અને 14 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. એક આરોપીની ધરપકડ ચૌક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે. બન્ને આરોપી મનુ ડાહ્યા ગેંગનો સાગરિત હોવાનું સામે આવ્યું છે.
ઘાતક હથિયારો કબ્જે
ગેંગવોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. જેથી બાતમીના આધારે વેડરોડ અને ચોકબજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી. વેડ રોડની ધ્રુવતારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી બે પિસ્તોલ, એક દેશી તમંચો, 11 જીવતા કાર્તૂસ મોબાઇલ ફોન (1 નંગ) મળી આવ્યા છે. આ તમામ મુદ્દામાલની કિંમત અંદાજે 61,100 થાય છે.
ચોકબજારમાં વધુ ધરપકડ
આરોપી ધીરજ ગોસાઈની તપાસમાં તે હથિયાર ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવાડાની મદદથી રાખતો હતો. આ આધારે ચોકબજારના શિવરંજની એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી લોડેડ પિસ્તોલ (1 નંગ), 3 જીવતા કાર્તૂસ, મોબાઇલ ફોન (3 નંગ) મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 2,66,400 જપ્ત કરાયા છે.








