Mahisagar: દારુના નશામાં ધૂત શિક્ષકે સર્જ્યો અકસ્માત, સ્થાનિકોએ શિક્ષકને ચખાડ્યો મેથીપાક

મહીસાગર જિલ્લાના મોડાસા લુણાવાડા હાઈવે પર લીમડિયા ચોકડી પર શિક્ષકે દારુ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા ઉભા રહેલ બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અને બાદમાં ગાડી સીધી દુકાનમાં ઘુસી ગઈ હતી. અકસ્માત સર્જાતા લોકો એકત્રિત થયા હતા અને કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે નશામાં ધૂત કારચાલકની ધરપકડ કરી છે, તેની કારને ડિટેન કરીને લીમડિયા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલી દીધી હતી અને કારચાલકને બાકોર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. તેમજ તેનો લિકર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત બાઇક સવાર ને સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારચાલક સંજય નાયક વીરપુરના ભાટપુર ગામનો વતની છે અને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બાકોર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં વિજયભાઈ બાબુભાઈ રાણા નામના વ્યક્તિને ગંભીર ઇજા પહોચતા વડોદરા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા કાર ચાલક ઉપર કાર્યવાહી કરી તેમ જ શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ પણ કરી છે અને આરટીઓ વિભાગને તેનું લાઇસન્સ રદ કરવા માટે પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.

