Mahisagar: RCC રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનો આક્ષેપ, રોષે ભરાયેલા ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી વિકાસના કામોમાં લોલમલોલ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. લુણાવાડાના મલેકપુર ગામે બની રહેલા નવીન RCC રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રસ્તાનું કામ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું હતું.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, મલેકપુર ગામથી હોળી ચકલા સુધી લાખોના ખર્ચે નવીન RCC રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રવિવારે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગ્રામજનોએ સ્થળ પર જઈને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રસ્તાના નિર્માણમાં ગુણવત્તાના ધોરણો જળવાઈ રહ્યા નથી. માટી યુકત રેતી સિમેન્ટમાં વાપરતા હોવાનું સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ જ્યાં સુધી યોગ્ય અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત મટીરીયલનો ઉપયોગ કરવામાં નહીં આવે, ત્યાં સુધી કામ આગળ વધવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી છે.

