VIDEO: ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન અને બે પાલિકામાં ચૂંટણીનો મહાસંગ્રામ, 105 બેઠક પર મતદાન
રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા રાજ્યની વિવિધ સ્થ

રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓ માટે આજે મતદાન યોજાશે. તો બીજી તરફ ગઈકાલે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે.ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખેરાલુ-છોટા ઉદેપુર-બાયડ નગરપાલિકાની 1-1, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 1, પડધરી તાલુકા પંચાયતની 1 બેઠકની પેટા ચૂંટણી આજે યોજાશે.
ગાંધીનગર મનપા ચૂંટણી અને મતદારોની સ્થિતિ
- ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 11 વૉર્ડની 44 બેઠક માટે 130 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો થશે.
- આ ચૂંટણીમાં 1.32 લાખ પુરુષ અને 1.27 લાખ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
- ભાજપ-કોંગ્રેસના 44-44, આમ આદમી પાર્ટીના 32 તેમજ અન્ય પક્ષો તથા અપક્ષ મળીને 130 ઉમેદવારો મેદાનમાં છે.
- પાટનગરમાં અત્યારસુધી સરેરાશ 56 ટકા જેટલું મતદાન થતું આવ્યું છે.
2021માં કયાં પક્ષોનો કેટલો વોટશેર?
છેલ્લે 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વોટશેર 46.49 ટકા, કોંગ્રેસનો વોટશેર 28.02 ટકા અને આમ આદમી પાર્ટીનો વોટ શેર 21.77 ટકા નોંધાયો હતો. આ ચૂંટણી ભાજપ માટે સત્તા ટકાવી રાખવા પ્રતિષ્ઠાનો જંગ છે તો કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે.
મતદાનનો સમય અને બિનહરીફ સ્થિતિ
આજે સવારથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. આજે કેટલીક પેટા ચૂંટણી પણ યોજાશે. અલબત્ત, પાટણ જિલ્લાની અડીયા તાલુકા પંચાયત, મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયતમાં એકપણ ઉમેદવાર તરફથી ઉમેદવારી ફોર્મ રજૂ નહીં થતાં તે બેઠકોમાં ચૂંટણી જ યોજાવાની નથી.
આજે ક્યાં ચૂંટણી?
- ગાંધીનગર મનપા: 44 બેઠકો, 130 ઉમેદવારો
- ઓખા નપા: 32 બેઠકો, 75 ઉમેદવારો
- થરા: 24 બેઠકો, 59 ઉમેદવારો
આજે ક્યાં પેટા ચૂંટણી ?
- ખેરાલુ નપા: 01 બેઠક, 03 ઉમેદવારો
- છોટા ઉદેપુર નપા: 01 બેઠક, 03 ઉમેદવારો
- બાયડ નપા: 01 બેઠક, 02 ઉમેદવારો
- દ્વારકા જિ.પં.: 01 બેઠક, 03 ઉમેદવારો
- પડધરી તા.પં.: 01 બેઠક, 03 ઉમેદવારો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પો.ની છેલ્લી 3 ચૂંટણીનું પરિણામ
- 2011: કુલ 33 બેઠકો (ભાજપ: 15, કોંગ્રેસ: 18)
- 2016: કુલ 32 બેઠકો (ભાજપ: 16, કોંગ્રેસ: 16)
- 2021: કુલ 44 બેઠકો (ભાજપ: 41, કોંગ્રેસ: 02, AAP: 01)








