મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, બે દિવસમાં 5 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન

અંબાજી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મા અંબાના મંદિરનો ભાદરવી પૂનમના મહામેળાનો ધાર્મિક ભક્તિભાવથી પ્રારંભ થઈ ચૂક્યો

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો, બે દિવસમાં 5 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન

અંબાજી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મા અંબાના મંદિરનો ભાદરવી પૂનમના મહામેળાનો ધાર્મિક ભક્તિભાવથી પ્રારંભ થઈ ચૂક્યો છે. મેળાના બીજા દિવસે રાજ્યભરમાંથી બોલ માડી અંબેના ગુંજારવ સાથે 3 લાખ 5 હજારથી વધુ માઈભક્તો પહોંચ્યા હતા. માત્ર બે દિવસમાં જ કુલ 4.97 લાખ યાત્રાળુઓએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં પોતાની શીશ ઝૂકાવ્યા છે. જ્યારે અત્યાર સુધી મંદિરના શિખરે 521 ધ્વજારોહણ, મોહનથાળ પ્રસાદના 405617 અને ચીકી પ્રસાદના 7609 પેકેટનું વિતરણ થયું છે. 

શક્તિ ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં લાખોની સંખ્યામાં માઇભકતો મા અંબાના ચરણે આવી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે ભાદરવી મહા કુંભનો ત્રીજો દિવસ છે. ત્યારે બે દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ માઇ ભક્તો મા અંબાના ધામે આવી પહોંચ્યા છે. અને સતત માઈ ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.  ત્રીજા દિવસે પણ મા જગતજનની અંબાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું હતું. ભક્તિના રંગે રંગાયેલા ભક્તો નાચતા ગાતા મંદિરમાં આવી પહોંચ્યા હતા. સાથે સાથે પોલીસ કર્મીઓ પણ આ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. સુરક્ષા અને વ્યવસ્થાની સાથે સાથે પોલીસના જવાનો માઇ ભક્તોના ઉત્સાહમાં વધારો કરતા જોવા મળ્યા હતા. તેઓ પણ માઈ ભક્તોની સાથે સાથે મા જગતજનની અંબાના જયકારા લગાવી રહ્યા છે.

મેળામાં 25 લાખથી વધુ માઈભક્તો ઉમટી પડે તેવી સંભાવના

ભોજન પ્રસાદનો 92500 યાત્રિકોએ લાભ લીધો હતો. 9864 યાત્રાળુઓએ ઉડન ખટોલામાં પ્રવાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અંબાજીના સાત દિવસીય ભાદરવી પૂનમના મેળામાં 25 લાખથી વધુ માઈભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે. તેઓની સુવિધાઓ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહિવટી તંત્રએ વ્યવસ્થા ગોઠવી છે.

યાત્રાધામ અંબાજીમાં રંગેચંગે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે પહોંચેલા યાત્રિકોની સંખ્યા તેમજ ધ્વજારોહણ વિગતોના આંકડાઓ એકત્રિત કરવામાં વહિવટી તંત્ર ગોથે ચડ્યું હતું. જો કે, મેળાના બીજા દિવસે શુક્રવારે તંત્રએ સતર્કતા દાખવતા ગુજરાત તેમજ દેશભરમાંથી જગત જનની મા અંબાના દર્શન કરવા પહોંચેલા યાત્રિકો તેમજ ધ્વજારોહણ, પ્રસાદ પેકેટ વિતરણ સહિતની માહિતી સમયસર પૂરી પાડી હતી. 

પદયાત્રીઓનો ભારે ધસારો અંબાજી તરફ જવાના માર્ગો પર જોવા મળ્યો 

અંબાજીમાં દર વર્ષે ભાદરવા સુદ દસમથી શરૂ થતાં ભાદરવી પૂનમના મહામેળાની લાખો માઈભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે ગુરૂવારથી મેળાની શરૂઆત થતાં બીજા દિવસે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિવિધ માર્ગો બોલ માડી અંબે, જય..જય..અંબેના નાદથી ગુંજી ઊઠ્યા છે. ચોતરફ ધ્વજાઓ સાથે પગપાળા સંઘો અને પદયાત્રીઓનો ભારે ધસારો અંબાજી તરફ જવાના માર્ગો પર જોવા મળી રહ્યો છે. અંબાજી મેળાના બીજા દિવસે 30,5724 યાત્રિકો દૂરદૂરથી મોટરમાર્ગે તેમજ પગપાળા પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો