સુરતમાં પરિણીત પ્રેમિકાના પતિ સાથે વારંવાર ઝઘડો થતાં હિંસક બનેલા પ્રેમીએ કર્યું આવું
સુરતમાં વધુ એક આડાસંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. જેમાં પતિ-પત્ની અને પ્રેમીને લઈને ઝઘડા

સુરતમાં વધુ એક આડાસંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. જેમાં પતિ-પત્ની અને પ્રેમીને લઈને ઝઘડાઓ થતાં હતાં. મિત્રએ જ પોતાના મિત્રની પત્ની પર નજર બગાડી છેલ્લા ચાર વર્ષથી સંબંધ બાંધતો હતો. જેને લઈને બન્ને મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. આથી પ્રેમી યુવકે તેના મિત્રની મદદ લઈને પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં નાસી ગયેલા બન્ને આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા હતાં.
માથામાં મારતા મોત
ભેસ્તાનમાં એક યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રશાંત અને પ્રદીપએ પ્રેમિકાના પતિનું કાસળ કાઢી નાખ્યાનું સામે આવ્યું હતું. માથામાં લાકડાનો ફટકો મારી રાહુલની હત્યા કરી નાખવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષથી પ્રશાંતને તેના મિત્ર રાહુલની પત્ની સાથે જ પ્રેમ હતો. પ્રશાંત અને પ્રદીપ મિત્ર રાહુલને બહાર લઈ ગયા હતાં જ્યાં સાંજના સમયે પ્રશાંત અને પ્રદીપે રાહુલને માથામાં ફટકો મારી હત્યા કરી દીધી હતી. હત્યા કરી પ્રશાંત અને પ્રદીપ નાસી છૂટ્યા હતા. જો કે,પોલીસે બન્નેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડાની અદાવતમાં હત્યા
એસીપી ગોહિલે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં હેડ ઈન્જરી સહિત અન્ય ઇજાઓ મળી આવી હતી. રાહુલ દિલીપ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું. પત્ની અને ભાઈની પૂછપરછ કરવામાં આવી હતી. ફરિયાદી રાહુલના મોટાભાઈ ગણેશભાઈ છે. આરોપી પ્રશાંત શિંદે અને પ્રદીપ પાટીલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રશાંત અને મરનાર વ્યક્તિના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. આ અંગે બંને વચ્ચે ઝઘડા થતા હતા. જેની અદાવત રાખીને પ્રશાંત પોતાના મિત્ર પ્રદીપ સાથે મળીને મરનારને ઘરેથી લઈ જઈ બોથડ પદાર્થથી માથાના ભાગે ઇજા કરી તેની હત્યા કરી નાખી હતી.








