Anand મનપા ખાતે પીવાના પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, માટલા ફોડી આક્રોશ ઠાલવ્યો
ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ આણંદ શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો
ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ આણંદ શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. આણંદ મહાનગરપાલિકાના ગામડી વિસ્તારમાં આવેલા પ્રેસપુરા અને શ્રેયસ કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને અછતને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે આ રોષ વિસ્ફોટમાં ફેરવાયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ મનપા કચેરીએ મોરચો માંડ્યો હતો.
જ્યારે આક્રોશિત સ્થાનિકોનો મોરચો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યો, ત્યારે કચેરીના મુખ્ય દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તંત્રના આ વલણને કારણે સ્થાનિકો વધુ રોષે ભરાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ સાથે લાવેલા માટલા કચેરીના ગેટ પાસે ફોડીને 'પાણીની પોકાર' કરી હતી. ગરમીની સીઝન દસ્તક દઈ રહી છે ત્યારે જ પાણીનો કકળાટ શરૂ થતા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અંતે, સત્તાધીશોને આવેદનપત્ર આપીને વહેલી તકે પાણીની સમસ્યા હલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.




