રાજકોટ અને સુરતમાંથી મોટા જથ્થામાં ઝડપાયું નકલી ઘી, ઉનામાં શંકાસ્પદ તેલ ઝડપાયું
રાજ્યમાં તહેવારોની સીઝન આવી છે તેમાં ખાદ્યતેલ અને ઘીમાં ભેળસેળ કરનારા તત્ત્વો પણ સક્રિય થઇ ગયા

રાજ્યમાં તહેવારોની સીઝન આવી છે તેમાં ખાદ્યતેલ અને ઘીમાં ભેળસેળ કરનારા તત્ત્વો પણ સક્રિય થઇ ગયા છે અને ભેળસેળ વાળા તેલ અને ડુપ્લીકેટ ઘી બજારમાં ઉતારી રહ્યા છે. રાજ્યમાં આજે રાજકોટના મેટોડા GIDCમાંથી અને સુરતમાં ડુપ્લીકેટ ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે, તો ઉનામાં ભેળસેળવાળું તેલ પકડાયું છે.
રાજકોટના મેટોડા GIDCમાંથી મોટા જથ્થામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયું
રાજકોટના મેટોડા GIDCમાંથી મોટા જથ્થામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયાનો મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તાત્કાલિક અસરથી ડેરીઓમાંથી સેમ્પલ લેવાના આદેશ કરવામા આવ્યા, જે બાદ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ધીના સેમ્પલ લીધા. શહેરના વાણિયાવાડી વિસ્તારમાં સિતારામ વિજય પટેલ ડેરીમાં દરોડા પાડતા છાશમાંથી મલાઈ કાઢી બનાવેલા ઘી 1 કિલોના 800 રૂપિયા, ગાયનાં ઘીના 1 કિલોના 640 રૂપિયા, ભેંસના ઘીના 1 કિલોના 580 રૂપિયામાં વેચતા હોવાનુ સામે આવ્યું. તેમજ અલગ અલગ મીઠાઈમાં પણ કલરનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું.
સુરતમાં નકલી ઘી વેચનારા એકની ધરપકડ
સુરતમાં સુમુલ ડેરી બ્રાન્ડના નામનો દૂર ઉપયોગ કરીને ગ્રાહકોને ઓછી ગુણવત્તાવાળું ડપ્લિકેટ ઘીનુ વેચાણ કરતા બે પ્રાઇમ સ્ટોરમાં પાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નકલી ઘીનું વેચાણ કરતા પોલીસે 30 વર્ષીય હરિરામ ચૌધરીની ધરપકડ કરી છે. પાલિકા દ્વારા આ તમામ સુમૂલના ડબ્બાઓને કબ્જે લેવામાં આવ્યા છે અને સેમ્પલ તરીકે લેવામાં આવ્યા છે. આ પૃથક્કરણ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉનામાં ભેળસેળવાળું તેલ પકડાતા ગોડાઉન સીલ
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એક તેલના ગોડાઉન પર SDMના દરોડા પાડ્યા હતા. ઉનાના દેલવાડા રોડ પર આવેલ એક મકાનમાં રેડ કરતા અંદાજે 33 લાખ રૂપિયા આસપાસનું શંકાસ્પદ તેલ ઝડપાયુ હતું, જે બાદ તેલના ગોડાઉનને સીલ મારવામા આવ્યું.








