Sabarkantha news: ઇડરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્થાનિકોએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં કર્યો અનોખો વિરોધ
સાબરકાંઠાના ઇડરમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકોએ અનોખો વ

સાબરકાંઠાના ઇડરમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તંત્રને જગાડવા માટે સ્થાનિકોએ તગારામાં કચરો લઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિરોધ કર્યો હતો અને 'પાલિકા હાય હાય' ના નારા લગાવ્યા હતા. છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી પાલિકામાં ગેરવહીવટ સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.સ્થાનિકોની માંગણીઓ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
તગારામાં કચરો લઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિરોધ
સાબરકાંઠાની ઇડર નગરપાલિકાના વોર્ડ નં 3,4 અને 5માં ઘણા સમયથી સાફસફાઈ, પાણી, ગટર સહિતની સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિક યુવાનોએ સુતા તંત્રને જગાડવા માટે પાલિકામાં 'હાય હાય' ના નારા લગાવ્યા હતા અને તગારામાં કચરો લઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિરોધ નોંધાવ્યો હતો. રહેણાક વિસ્તારમાં પીવા તેમજ વપરાશ પાણીની સમસ્યાને લઇ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી ડહોળું તેમજ ફીણવાળું આવતું હોવાને લઈ રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.
માંગણીઓ ન સંતોષાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી
અવાર નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતા લોકોને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે. આ અંગે ભીમ યુવા સંગઠન દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરાઇ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ રહેણાક વિસ્તારમાં ગટર, સાફસફાઈ, પાણી, લાઇટ, સહિતના કામો કરાતા નથી. છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી પાલિકામાં ગેરવહીવટ સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોની માંગણીઓ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.






