શું રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનમાં ગુનો નોંધાશે? રાજ્ય સરકારે પોલીસને આપ્યો આદેશ
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન ક

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવાનો મામલે ભારતીય જનતા પાર્ટી સતત દબાણમાં આવી રહી છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધવાના મામલે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે. જેના પગલે સરકારે પોલીસને તાકીદ કરી છે કે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના કાર્યક્રમ અંગે ગુનો દાખલ કરતા પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી પડશે. જેથી ગુનો નોંધવો કે નહીં? તે નક્કી કરી શકાય.
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય મામલે વાંધાજનક નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. જેમાં ગોંડલમાં જયરાજસિંહે બોલાવેલી મિટીંગ સમયે કેટલીક ક્ષત્રિય મહિલાઓને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં મહિલા અગ્રણી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ બાદ પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે આ બાબતને લઈને ખુદ ભાજપના સક્રિય ક્ષત્રિય અગ્રણીએ પણ વાંધો ઉઠાવ્યો હતો.
જે બાદ સરકારે ચૂંટણીના માહોલમાં નુકસાન ન જાય તે માટે તાકીદે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી છે કે રાજ્યમાં કોઈ સ્થળે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે સંજોગોમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી પડશે. જેના આધારે ગુનો નોંધવો કે નહીં? તેની સુચના મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવાની રહેશે. આમ, ખુદ પોલીસ અધિકારીઓ પણ રૂપાલા મામલે રાજકીય દબાણમાં આવી ગયા છે.






