ખેડા : રધવાણજ ગામે મંદિરની તલવારથી હુમલો કરી 24 વર્ષીય યુવાનની જાહેરમાં હત્યા

Kheda News: ખેડા જિલ્લાના માતર તાલુકાના રધવાણજ ગામે ખૂની ખેલ ખેલાયો છે, જેમાં એક 24 વર્ષના યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. માતર પોલીસે હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર માતર તાલુકાના રધવાણજ ગામે 24 વર્ષીય યુવાન ભાવિન ઠંડીમાં બહાર તાપણું કરી રહ્યો હતો. આ દરમિયાન ગામના જ જયેશ ઠાકોર નામના યુવાન સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા આરોપી જયેશે બહુચર માતાના મંદિરમાંથી તલવાર લઈ આવીને ભાવિન પર પ્રહાર કરતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યારા યુવાન જયેશ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

