VIDEO: મહેમદાવાદના સણસોલી ગામે શરદ પૂનમે ગરબામાં યુવકની હત્યા, આરોપીઓ પલાયન
VIDEO: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી ગામે શરદ પૂનમની રાત્રિ દરમ્યાન ગરબા મહોત્સવમાં 19 વર્ષના યુવકની ચપ્પાના ઘા મારી ભેંદી સંજોગોમાં હત્યા કરી આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
મહેમદાવાદ તાલુકાના સરસોલી ગામમાં મહોત્સવ અંતર્ગત મસાણી માતાના મંદિરે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના નાગરિકો ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં મહેમાનો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉમટ્યા હતા. અંદાજિત 25000 કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સણસોલીમાં આવી પહોંચ્યા હતા ગરબા મહોત્સવ દરમિયાન સમગ્ર ગામ હિલોળે ચઢયું હતું ગામના બોગજીપુરામાં રહેતા ભરત ફતાભાઈ પરમારના દીકરા સંદીપ ઉર્ફે સચિન ઉ.વ. 19 પણ ઘરેથી મસાણી માતાના મંદિરે ગયો હતો. સંદીપ ઉર્ફે સચિન ભરતભાઈ પરમાર પણ ગરબા રમવામાં મશગૂલ હતો ત્યારે અજાણ્યા યુવક સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ ભારે અને અવાજના કારણે શોરબકોરમાં આ શખ્સો ચપ્પાના ઘા ઝીંકીને મંદિરની પાછળની બાજુએથી ફરાર થઈ ગયા હતા.
જોકે હત્યાના પગલે ગરબા મહોત્સવમાં રંગમાં ભાંગ પડી ગયો હતો . પોલીસ પણ હાજર હતી પરંતુ અચાનક બની ગયેલી ઘટનામાં સચિન મંદિરના પાછળના ભાગે તરફડી રહ્યો હતો અને ગ્રામજનો અને પોલીસ ભેગા થઈ તેને સારવાર અર્થે ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. જોકે હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજુ જાણી શકાયું નથી ભેદી અને રહસ્યમય સંજોગોમાં સચિનની હત્યા કરી હત્યારા ફરાર થવામાં સફળ રહ્યા હતા.
યુવકની હત્યાને પગલે મહેમદાવાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પણ પોતાના તાંબાની બ્રાન્ચ એલસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિત કપડવંજના ડીવાયએસપી તપાસમાં જોડાયા છે. પોલીસ દ્વારા તાબડતોબ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા. જોકે હાલ હત્યાના કારણ અંગે કોઈપણ સ્પષ્ટ બાબત સામે આવી નથી. પરિવારજનો પણ હત્યાના કારણને લઈને ભારે અસમજસમાં છે.

