VIDEO: ઈન્સ્ટાગ્રામનો પ્રેમ ખેંચી લાવ્યો ગુજરાત: પતિના ત્રાસથી કંટાળી કાશ્મીરી પરિણીતા બાળક સાથે પહોંચી મહુધા, પોલીસે પકડી તો સામે આવી અનોખી વાત
VIDEO: સોશિયલ મીડિયાના માધ્યમથી પાંગરેલા પ્રેમની એક અનોખી કિસ્સો ખેડા જિલ્લાના મહુધામાં સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના રાજોરીની એક પરિણીત મહિલા પોતાના માસૂમ બાળક સાથે પ્રેમીને મળવા છેક ગુજરાતના ખેડા સુધી પહોંચી હતી. જોકે, સ્થાનિકોને શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ આ સમગ્ર પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો છે.
ઘરેલું હિંસાથી કંટાળી લીધો નિર્ણય
કાશ્મીરના રાજોરીમાં રહેતી નાજિયા (નામ બદલેલ છે) નામની યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ તેનો પતિ તેની સાથે અવારનવાર મારઝૂડ કરતો અને ઘરનું રાશન પણ લાવી આપતો ન હતો. આ દરમિયાન નાજિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા મહુધાના તળપદા વાસમાં રહેતા રાહુલ તળપદાના સંપર્કમાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
કાશ્મીરથી ગુજરાત સુધીની સફર
પોતાના પ્રેમી અને તેના ભાઈ સાથે નાજિયા રાજોરીથી દિલ્હી અને ત્યાંથી અમદાવાદ થઈને મહુધા પહોંચી હતી. ગામમાં અજાણ્યા અને ‘પાકિસ્તાની’ જેવા લાગતા શખ્સો હોવાની બાતમી મળતા મહુધા પોલીસે તળપદા વાસમાં દરોડો પાડી માતા-પુત્ર અને બે યુવકોને પોલીસ મથકે લાવ્યા હતા.
પોલીસની મહેમાનગતિથી કાશ્મીરીઓ ખુશ
મહુધા પોલીસે જમ્મુ-કાશ્મીરના રાજોરી પોલીસનો સંપર્ક કરી તપાસ હાથ ધરી છે. નવાઈની વાત એ છે કે, સામાન્ય રીતે પોલીસથી ડરતા લોકોના બદલે આ કાશ્મીરી યુવક-યુવતીઓ પોલીસની કામગીરીથી અત્યંત ખુશ દેખાયા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દિવસથી પોલીસ સ્ટેશનમાં તેમને જે રીતે રાખવામાં આવ્યા અને તેમની જે મહેમાનગતિ કરવામાં આવી તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

