માતર-તારાપુર રોડ પર રિક્ષા-ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત; ત્રણના મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત

ખેડાના ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે. માતર-તારાપુર રોડ પરની ખોડિયાર ચોકડી પાસે રિક્ષાને ઈકો કારે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાય છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત
મળતી માહિતી મુજબ, ખેડાના માતર-તારાપુર રોડ પર પૂરપાટ આવતી ઈકો કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઈ જતાં 108ને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને લઈને માતર-તારાપુર રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ધારાસભ્ય સ્થળ પર દોડી પહોંચ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

