Kheda news: યુવકને માર મારવા મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ આખરે પોલીસ જાગી, ધારાસભ્યના મળતીયાઓ સામે નોંધ્યો ગુનો

આંત્રોલીના યુવકને માર મારવા મામલે કપડવંજ પોલીસે હાઈકોર્ટના આદેશ બાદ ધારાસભ્યના મળતીયાઓ સામે આખરે ગુનો નોંધ્યો છે. રોડ પર ખાડા પડવા મુદ્દે ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટ કરતાં યુવક પર હુમલો કરાયો હતો. ધારાસભ્ય રાજેશ ઝાલાના માણસો દ્વારા યુવકને માર મારી અપહરણનો પ્રયાસ કરાયો હતો.
આ અંગે ખેડા પોલીસ વિભાગમાં રજૂઆતોથી થાકેલો યુવક હાઇકોર્ટના શરણે ગયો હતો. જેમાં કોર્ટે પોલીસને ફરિયાદ બને છે કે નહિ તેનો ચાર અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ કરાયો હતો, છતાં કપડવંજ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી, જે બાદ હાઇકોર્ટ દ્વારા પોલીસને ફરિયાદ દાખલ કરવા હુકમ કરાયો હતો. પોલીસે સાત મહિના બાદ કપડવંજ ધારાસભ્યના માણસો દિલીપસિંહ કાળુસિંહ ચૌહાણ, અમિતસિંહ ગોહિલ, અજીતસિંહ સોઢા અને ઇન્દ્રવદન પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.

