મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં ખાખી શર્મસાર; 1 પેટી દારૂ પકડી બુટલેગર પાસે ₹3.50 લાખની માગણી, નરોડા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો

ભાવનગરમાં સર્જાય

Ahmedabadમાં ખાખી શર્મસાર; 1 પેટી દારૂ પકડી બુટલેગર પાસે ₹3.50 લાખની માગણી, નરોડા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો
આ સમાચાર સાંભળો

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠા કાંડ બાદ સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને દારૂના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઇવના આદેશો આપવામાં આવ્યા છે. એક તરફ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કડક કાર્યવાહીની વાતો કરે છે, તો બીજી તરફ નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ આદેશોને ઘોળીને પી ગયો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની રેઇડ બાદ નરોડામાં નવા PIએ ચાર્જ સંભાળ્યો તેને માંડ બે દિવસ થયા છે, ત્યાં જ પોલીસ બેડાની આબરૂના ધજાગરા ઉડાવતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

સમગ્ર મામલો શું છે?

ગત 24મી ઓગસ્ટના રોજ નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જેમાં ડી-સ્ટાફના કોન્સ્ટેબલ જનકભાઈ પુંજાભાઈ, લાલુભાઈ, વિશાલભાઈ અને પિયુષકુમાર પેટ્રોલિંગમાં કરતા હતા. આ દરમિયાન નરોડા સીટી સેન્ટર પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસે દારૂ અંગે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરી કરતા ચિરાગભાઈ ઉર્ફે ઠાકોર ઝાલા નામના કારચાલકની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે તેની સાથેના અન્ય બે આરોપીઓ હારુન જબ્બારભાઈ શેખ અને આશિફ ઉર્ફે તિવારી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી કાર, વિદેશી દારૂના 43 ક્વાર્ટર (અંદાજે એક પેટી) અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 5,18,975નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ જ બની 'વહીવટદાર': 3 થી 3.50 લાખમાં મામલો રફે-દફે કરવાનો ખેલ

આ આખી ઘટનામાં ચોંકાવનારો મોડ ત્યારે આવ્યો જ્યારે દારૂના કેસમાં ફરાર થયેલા આરોપીઓ સાથે કથિત રીતે ડી-સ્ટાફનો જનક નામનો કોન્સ્ટેબલ પોતે જ ફોન પર સેટલમેન્ટ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો. વાઈરલ વીડિયો મુજબ, કોન્સ્ટેબલ જનક બુટલેગરને ફોન કરીને આખો મામલો સગેવગે કરવા માટે રૂપિયા 3 થી 3.50 લાખની માંગણી કરી રહ્યો છે. પકડાયેલા દારૂના કેસમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવાના બદલે, ખુદ પોલીસકર્મી જ વહીવટ કરવા મેદાને પડતાં સમગ્ર પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સંવાદની વિગતો એટલી શરમજનક છે કે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરે છે.

બુટલેગર સાથે પોલીસકર્મીની 'ડીલ', જેમાં કથિત પોલીસકર્મી કહી રહ્યો છે કે-

સાહેબ 1.5 લાખ રૂપિયાને ખૂબ ઓછા લાગે છે, કારણ કે જો આમાં રાજસ્થાનના વેપારીઓના નામ ખુલશે તો આટલી નાની રકમથી કામ નહીં ચાલે. આ વખતે બધું સારું સેટલમેન્ટ કરી આપીશું તો આપણો પરસ્પર વિશ્વાસ બંધાઈ જશે અને ભવિષ્યમાં પણ આપણો ધંધો કાયમ માટે સારો ચાલશે. પકડાયેલો માલ રોયલ સ્ટેગ (Royal Stag) છે અને આજકાલ તો માત્ર આ બ્રાન્ડનું નામ આવવું જ કેસ કરવા માટે પૂરતું થઈ ગયું છે. સાહેબ અત્યારે ખૂબ મોટી રકમ એટલે કે 6 થી 8 લાખ રૂપિયા માંગે છે, પણ હું તેમની સાથે વાત કરીને આ મામલો 3 લાખ રૂપિયા સુધીમાં પતાવવા માટે મનાવવાનો પૂરો પ્રયત્ન કરીશ

ડી-સ્ટાફનો વહીવટ કરવાનો અંદાજ ના બદલાયો!

'આપણો ધંધો કાયમ સારો ચાલશે..' બુટલેગર સાથેની આ વાત જ અમદાવાદ પોલીસના સેટલમેન્ટના ધંધાનો જીવતો જાગતો દાખલો છે. SMCની રેઇડ પડી, PI બદલાયા, પણ ડી-સ્ટાફનો વહીવટ કરવાનો અંદાજ ના બદલાયો, આને કોન્ફિડન્સ કહેવાય કે દારૂના ધંધામાંથી આવતી 'પ્રોટેક્શન મની'થી ખિસ્સા ગરમ કર્યા વગર હવે અમુક ખાખીધારીને ચાલતું નથી. મહત્વનું છે કે આ વીડિયો નવા પદભાર સંભાળ નાર PIના ધ્યાને આવતા જ તેમણે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ તાજેતરમાં નરોડાનો દેવાંશ નામનો વ્યક્તિ ચર્ચામાં આવ્યો છે જે બધાને ફોન કરીને કહે છે કે નવો વહીવટદાર છું.

પોલીસકર્મીઃ સાહેબ કહે છે કે, રાજસ્થાનના વેપારી છે અને બધાના નામ ખુલશે તો આટલા રૂપિયા થોડા હોય.
બુટલેગરઃ ભાઈ એક પેટી માલ છે, 100 પેટી માલ નથી. એક પેટીમાં 1.5 લાખ રૂપિયા ઓછા ના કહેવાય. મામલો વધારવો નથી ઓછામાં પતી જાય તો સારું.

પોલીસકર્મીઃ હું વાત કરીને કવ કેટલામાં પતી શકે છે. ચોકીએ જઈને વાત કરું.
બુટલેગરઃ બે-પાંચ પેટી લાવીને ધંધો નહીં થાય તો અમે શું કરીશું.
પોલીસકર્મીઃ ઓહ હો, જાણે તમને એકને જ તકલીફ થાય છે.
બુટલેગરઃ આ સિટીમાં શું છે મને જવા દોને
પોલીસકર્મીઃ પહેલીવાર મળ્યા છો તો સમજો. મારી ભક્તિ ચાલશે તો તમને મજા આવશે. એક વાર સારું કરીશું તો બીજીવાર વિશ્વાસ બંધાઈ જશે. ટ્યુનિંગ થઈ જશે આપણે.
બુટલેગરઃ હું 1.5 લાખ તો આપું છું સમજો.
પોલીસકર્મીઃ એ તો નહીં માને, બહુ રૂપિયા માંગે છે. માહોલ કેવો છે ખબર છે ને, તમારો પકડેલો માલ રોયલ સ્ટેગ છે અને અત્યારે તો એનું નામ મળવું જોઈએ. તમારાથી શરૂઆત થવાની છે અમારું કરશો તો સારું ચાલશે. તમારું પણ કાયમ ચાલશે. એક બે મહિના પૂરતી થોડી વાત છે.
બુટલેગરઃ 1.50 સુધી પતાવી દો સાહેબ, નથી મારા સાહેબ.
પોલીસકર્મીઃ અલ્યા ભાઈ મારું હોય તો વાંધો નહીં. અમને ક્યાં ખબર હતી કે તારું છે. સાહેબે કહ્યું કે, બીજાના હાથમાં નહીં આવે આ ત્રણને જ મોકલો. નહીં તો આખું ડીસ્ટાફ ના મોલકેત.
બુટલેગરઃ સાહેબને કહો કે, એક પેટીના આટલા ના હોય.
પોલીસકર્મીઃ તમારું નામ મોટું થઈ ગયું છે ને. મારા સો દુશ્મન છે. જનકભાઈ તો રોજ તોડ કરે છે. હું વાત કરું છું અને તમે કહો તો પતાવી દવ.
બુટલેગરઃ 1.50માં થતું હોય તો પુરું કરી દો સાહેબ. આનાથી વધુ મારી કેપેસિટી નથી. મારી પાસે રૂપિયા પણ નથી. અને પહેલાથી જ પતી ગયો છું અને તમારી પરમિશનમાં કેટલું નુકસાન થયું છે.
પોલીસકર્મીઃ ચલો હું વાત કરું છું અને થોડું ઉપર નીચે થાય તો વાત કરી લવ છું.
આ અંગે નરોડા પોલીસ સ્ટેશનના PI બી. એમ. કાતરિયાએ જણાવ્યું કે-

આ વીડિયો મારા ધ્યાને આવ્યો છે. જનક નામનો પોલીસકર્મી અહીં નરોડામાં જ ફરજ બજાવે છે. હું નવો આવ્યો છું એટલે એને મળ્યો નથી. પણ તે જે રીતે વાઈરલ વીડિયોમાં મારું નામ આપીને વાત કરી રહ્યો છે તે અંગે પૂછપરછ કરવા માટે મેં તેને બોલાવ્યો છે. આમાં જો તેની ભૂમિકા જોવા મળશે તો હું જરા પણ ચલાવી લઈશ નહીં. એની સામે શિક્ષાત્મક પગલા લઈશ. આ અંગે DCP સાહેબને પણ વાત કરીને કાર્યવાહી કરીશું.

બીજી તરફ સમગ્ર મામલે DCP ઝોન 4 અતુલ બંસલે જણાવ્યું કે, આ બાબત મારા ધ્યાનમાં આવી નથી. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ.

'સાહેબ' કોણ છે, રક્ષક જ ભક્ષક અને ભાગીદાર?

કથિત પોલીસકર્મી વારંવાર જે 'સાહેબ 6 થી 8 લાખ માંગે છે' તેમ કહી રહ્યો છે, એ 'સાહેબ' આખરે કોણ છે? શું નરોડા પોલીસ સ્ટેશનના કોઈ ઉચ્ચ અધિકારીના ઈશારે જ આ આખો વહીવટ ચાલી રહ્યો હતો? પોલીસકર્મી પોતે જ એવું કહી રહ્યો હોય કે 'આપણો ધંધો કાયમ માટે સારો ચાલશે', તો પછી પોલીસ બુટલેગરોને પકડવા ફરે છે કે પછી તેમની સાથે ભાગીદારીમાં ધંધો ચલાવે છે? શું માત્ર કોન્સ્ટેબલ જ બળીનો બકરો બનશે? સામાન્ય રીતે આવા કેસોમાં માત્ર નીચેના સ્ટાફ પર કાર્યવાહી કરીને મોટા અધિકારીઓને બચાવી લેવાતા હોય છે. શું આ મામલે 6-8 લાખની માંગણી કરનાર 'સાહેબ' સુધી તપાસની આંચ પહોંચશે ખરી?

આ સમાચાર શેર કરો